રાધનપુરમાં અનુસૂચિત જાતિની એક મંડળીની આશરે 80 વીઘા જમીનને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. મંડળીના સભ્યો દ્વારા જમીનના માલિકી હક્ક અને દસ્તાવેજોને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

મંડળીના સભ્યોના જણાવ્યા અનુસાર, સંબંધિત જમીન વર્ષ 1985થી મંડળીના નામે સરકારી રેકોર્ડમાં નોંધાયેલી છે. તેમ છતાં, કથિત રીતે ખોટા પ્રોપર્ટી કાર્ડના આધારે જમીન પર માલિકી હક્ક મેળવવાનો પ્રયાસ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક બિલ્ડર ઝાકીર ગાંધીનું નામ પણ રજૂઆતમાં ઉલ્લેખાયું હોવાનું જણાવાયું છે.
રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમીનના એક ભાગ પર ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે તેમજ ખેતી કરતા ખેડૂતોને ધાકધમકી આપીને ખેતી કરતા અટકાવવામાં આવ્યા હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
પીડિત ખેડૂત વિરચંદભાઈ મકવાણાએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને સમગ્ર મામલે સરકારી રેકોર્ડના આધારે તટસ્થ તપાસ કરાવી, જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત તમામ મુદ્દાઓ રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો અને દાવાઓ પર આધારિત છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
