કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપો વચ્ચે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં તપાસની માંગ ઉઠી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં રૂપેણ નદીના પાણીના પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નદીમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે મામલતદાર સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતકર્તાઓના જણાવ્યા મુજબ, નદીમાં ભળતા પ્રદૂષિત પાણીના કારણે પાણીની ગુણવત્તા પર અસર થવાની શક્યતા છે. રૂપેણ નદી આસપાસના વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે મહત્વપૂર્ણ હોવાથી પ્રદૂષણના કારણે ખેડૂતોના પાક, પશુઓના આરોગ્ય તેમજ પર્યાવરણને નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ મામલે તંત્ર દ્વારા નદીના પાણીના સ્થળ પરથી નમૂના લેવામાં આવે અને તેને માન્ય લેબોરેટરીમાં મોકલી વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જો પ્રદૂષિત પાણી છોડવાની બાબત સાચી સાબિત થાય તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિકોના હિતને ધ્યાનમાં રાખીને નદીમાં થતા સંભવિત પ્રદૂષણ પર સતત નજર રાખવા અને આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ ઉઠી છે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને તપાસ બાદ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
