રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 5.43 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અન્ય 29 તાલુકામાં બે ઇંચથી વરસાદ વરસી ગયો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવી ચેતવણી જાહેર કરી છે, જેમાં સાંજના 4 વાગ્યા સુધી 12 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અનરાધાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, ટ્રાફિક જામ અને વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે, તો ડામદર કુંડમાં પણ પાણીના આવક નોંધાઈ છે. આ સાથે ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં બપ્પાના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો તાલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઇ હાશકારો અનુભવ્યો છે. બપોરબાદ રાજકોટ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. રાજ્યના વરસાદની તસવીરો
