એલ.સી.બી. પાટણે ચાર શખ્સોને રૂ.6.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ મંદિરોમાં થયેલી ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પાટણ એલ.સી.બી.ને સફળતા મળી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આંતરજિલ્લા સ્તરે મંદિર ચોરી કરતા હોવાની શંકા ધરાવતા ચાર શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.6,70,584નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધવા અને આવા ગુનાઓ અટકાવવા એલ.સી.બી.ને સૂચના આપવામાં આવી હતી.
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પાટણ-ડીસા હાઇવે પર સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે GJ-24-AQ-3830 નંબરની ઇક્કો ગાડીમાં કેટલાક શખ્સો મંદિર ચોરીમાંથી મેળવેલો સોના-ચાંદીનો મુદ્દામાલ વેચવાના ઇરાદે પાટણ તરફ આવી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે વાહન અટકાવી તપાસ કરતાં ચાર શખ્સો પાસેથી સોના-ચાંદીના છત્તર તથા મંદિરોમાં ઉપયોગમાં લેવાતી અન્ય વસ્તુઓ મળી આવી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતાં આ શખ્સોએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ ગામોમાં મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના રૂ.2,55,084, ઇક્કો ગાડી રૂ.3,00,000, CNG રિક્ષા રૂ.1,00,000 અને ચાર મોબાઇલ ફોન રૂ.15,500 મળી કુલ રૂ.6,70,584નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બે ગુનાઓનો સીધો ભેદ ઉકેલાયો
પોલીસના જણાવ્યા પ્રમાણે, ભુતીયાવાસણા ગામે વણઝારી માતાજીના મંદિરમાં થયેલી ચોરી અંગે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ઉપરાંત સીરપડા ગામે થયેલી ચોરી અંગે ગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બંને ગુનાઓ સહિત આરોપીઓ દ્વારા અન્ય મંદિર ચોરીઓ કરવામાં આવી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
22 જેટલા મંદિરોને નિશાન બનાવ્યાનો પોલીસનો દાવો
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ આશરે છેલ્લા એક માસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન બનાવ્યા હતા. જેમાં સરીપડા, કાકોશી-મેત્રાણા રોડ, મેસર-વદાણી રોડ, ગણેશપુરા, ખારીવાવડી, સુજનીપુર, ઠાકરાસણ, ઉનાવા, ખોલવાડા, બોકરવાડા, કોટાવડ, અઘાર, ચારૂપ, નાંદોત્રી, મેથાણ, કડા-વિસનગર, વાધણા, હાજીપુર, રૂની, ઉંઝા તથા ભુતીયાવાસણા સહિતના સ્થળોના મંદિરોનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ મંદિરોમાંથી ચાંદીના છત્તર, ચાંદીની મૂર્તિઓ, ચાંદીના નાના દાગીના તથા અન્ય ધાર્મિક વસ્તુઓ ચોરી કરવામાં આવી હતી. ભુતીયાવાસણા ગામે વણઝારી માતાજીના મંદિરમાંથી 17 જેટલા નાના-મોટા ચાંદીના છત્તર, એક ચાંદીનું નાનું પારણું અને બે સોનાના નાના છત્તર ચોરાયા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે દાવો કર્યો છે કે ઉપરોક્ત મંદિર ચોરીઓમાં ગયેલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દિવસ દરમિયાન દર્શનના બહાને રેકી કર્યાનો પોલીસનો દાવો
પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપીઓ દિવસ દરમિયાન મંદિરોમાં દર્શન કરવા અને પ્રસાદ લેવાના બહાને જતા હતા અને મંદિરની સ્થિતિ તથા આસપાસની અવરજવર અંગે માહિતી મેળવતા હતા. ત્યારબાદ તક મળતાં મંદિરની અંદરથી હાથવગો સોના-ચાંદીનો મુદ્દામાલ ચોરી લેતા હોવાનો પોલીસનો દાવો છે.
ઝડપાયેલા ચાર આરોપીઓ
પોલીસે નીચેના ચાર શખ્સોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે:
1. નાયક આનંદકુમાર અંબાલાલ, રહે. કલ્યાણા નાયક વાસ, તા. સિદ્ધપુર, જી. પાટણ
2. ઠાકોર મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, રહે. કલ્યાણા, તા. સિદ્ધપુર, જી. પાટણ
3. નાયક યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ, રહે. કલ્યાણા નાયક વાસ, તા. સિદ્ધપુર, જી. પાટણ
4. નાયક જનકકુમાર ઉર્ફે ટીનો કાંતીલાલ, રહે. કલ્યાણા નાયક વાસ, તા. સિદ્ધપુર, જી. પાટણ
કબજે કરાયેલ મુદ્દામાલ
સોના-ચાંદીના દાગીના – રૂ.2,55,084
ઇક્કો ગાડી નં. GJ-24-AQ-3830 – રૂ.3,00,000
CNG રિક્ષા નં. GJ-01-BU-2963 – રૂ.1,00,000
ચાર મોબાઇલ ફોન – રૂ.15,500
કુલ મુદ્દામાલ: રૂ.6,70,584
પકડાયેલા આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સરસ્વતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અન્ય ચોરીના બનાવો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પી.એસ.આઈ. એસ.બી. સોલંકી, પી.એસ.આઈ. પી.વી. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
