ગોલ્ડન સિટી વિસ્તારમાં શાળાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ; અધિકારી સાથેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ

ગાંધીધામના ગોલ્ડન સિટી વિસ્તારમાં પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, શાળાની આસપાસ રસ્તા પર પાણીનો મોટો જમાવડો થતાં વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, વિસ્તારમાં થયેલા દબાણ અને એક દીવાલના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો છે. જેના પરિણામે વરસાદ બાદ રસ્તા પર લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે અને શાળાએ જતા નાના બાળકોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે.

આ સમસ્યા અંગે સ્થાનિક રહેવાસી ભરતભાઈ ડાફડા સહિતના જાગૃત નાગરિકોએ વિસ્તારમાં મુલાકાતે આવેલા મનપાના એન્જિનિયર અર્ણવ બુચને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અધિકારીની ગાડી રોકીને સ્થાનિકોએ રસ્તા પર ભરાયેલા પાણી અને તેના નિકાલ અંગે રજૂઆત કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રજૂઆત દરમિયાન અધિકારી અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં પ્રજા અને અધિકારી વચ્ચે ઉગ્ર ચર્ચા થતી જોવા મળે છે. વીડિયોમાં અધિકારી દ્વારા સરકારી નોકરી અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને પણ સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

બીજી તરફ, સ્થાનિકોએ અધિકારી સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે, સરકારી તંત્રનું કામ અંતે પ્રજાને જાહેર સુવિધાઓ પૂરી પાડવાનું છે અને રસ્તા, પાણીના નિકાલ તથા જાહેર સ્થળોની વ્યવસ્થા અંગેની ફરિયાદોનું નિરાકરણ લાવવું તંત્રની જવાબદારી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, પ્રાથમિક શાળા પાસે જ આવી સ્થિતિ હોવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિક રહેવાસીઓએ વધુમાં માંગ કરી છે કે, જો ખરેખર ગેરકાયદેસર દબાણ કે દીવાલના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હોય તો સંબંધિત સ્થળની સ્થળ તપાસ કરવામાં આવે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. સાથે જ શાળા વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓની સલામતી અને અવરજવર સરળ બને તે માટે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા બાદ હવે સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે અંગે સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ, કથિત દબાણ અંગેની તપાસ અને અધિકારી-પ્રજા વચ્ચે થયેલી બોલાચાલી અંગે મનપા દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!