299 સભાસદોના નામે પાકધિરાણની માંગણીનો મુદ્દો સામે આવ્યો; 147 સભાસદોના નામે બોગસ દસ્તાવેજો અને સહીઓથી ખાતાં ખોલાયાના આક્ષેપો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ઘીન્ બંધવડ ગ્રુપ સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના પાકધિરાણને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક દ્વારા મંડળીના મંત્રી રાયમલભાઈ વાલાભાઈ રબારી સામે ખેડૂત સભાસદોના નામે કથિત રીતે બોગસ દસ્તાવેજો તૈયાર કરી પાકધિરાણ મેળવવા અને રકમની ઉચાપત કરવાનો ગુનો નોંધાવવામાં આવ્યો હોવાનું જણાવાય છે.
ફરિયાદ મુજબ, મંડળીના કુલ 299 સભાસદોના નામે અંદાજે રૂ. 6.48 કરોડથી વધુના પાકધિરાણ માટે માંગણી કરવામાં આવી હતી. ધિરાણ મંજૂર થયા બાદ કેટલાક ખેડૂત સભાસદોએ પોતાને જાણ બહાર તેમના નામે લોન લેવામાં આવી હોવાની રજૂઆત બેંક સમક્ષ કરી હતી. ત્યારબાદ લોનની રકમની વસૂલાત ન થતાં બેંક તરફથી હાથ ધરાયેલી પ્રાથમિક તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
147 સભાસદોના નામે બોગસ દસ્તાવેજોના આક્ષેપ
બેંકની તપાસમાં આશરે 147 સભાસદોના નામે ખોટા માંગણા પત્રકો તૈયાર કરી બોગસ સહીઓના આધારે લોન સંબંધિત પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વધુમાં, કેટલાક કિસ્સાઓમાં જમીન પર બોજાની નોંધ વગર તેમજ અધૂરા દસ્તાવેજોના આધારે વર્ષ 2017થી 2023 દરમિયાન રૂ. 4.43 કરોડથી વધુની રકમ ઉપાડવામાં આવી હોવાનો આરોપ છે.
આ રકમ મંત્રી દ્વારા પોતાના અંગત ઉપયોગમાં તેમજ તેમના સગાં-સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાના પણ આક્ષેપો સ્થાનિક સ્તરે કરવામાં આવી રહ્યા છે. જોકે, આ તમામ આરોપોની અંતિમ સત્યતા પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.
ફરિયાદની વ્યાપક તપાસની માંગ
કૌભાંડના આક્ષેપોને લઈને સ્થાનિક ખેડૂતો તથા સામાજિક આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક આગેવાન ખેતાભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે બેંક દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં માત્ર મંત્રીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જ્યારે લોન પ્રક્રિયા દરમિયાન સંકળાયેલા હોવાનું કહેવાતા બેંકના શાખા અધિકારી, સિનિયર ઇન્સ્પેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.
તેમના જણાવ્યા મુજબ, 299 સભાસદોમાંથી કેટલાક કિસ્સાઓમાં બોગસ સહીઓ અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે, જ્યારે અન્ય કિસ્સાઓમાં વારસાઈ કાગળો, જૂની 7/12ની નકલો તથા કથિત ખોટી બોજા નોંધના આધારે લોન પ્રક્રિયા કરવામાં આવી હોવાના આક્ષેપો છે.
તમામ 299 ખેડૂતોના નિવેદન લેવાની માંગ
પીડિત ખેડૂતો અને આગેવાનોની મુખ્ય માંગ છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને વિસ્તૃત તપાસ કરવામાં આવે. ખાસ કરીને મંડળીના તમામ 299 સભાસદોના નિવેદનો લેવામાં આવે, તેમના નામે થયેલી લોન અરજીઓ, માંગણા પત્રકો, સહી, જમીનના દસ્તાવેજો, 7/12 ઉતારા, બોજા નોંધ તથા બેંકના ખાતાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સામાજિક આગેવાનોનું કહેવું છે કે સામાન્ય ખેડૂતને બેંકમાંથી લોન મેળવવા માટે અનેક દસ્તાવેજો અને પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં કરોડો રૂપિયાના ધિરાણની પ્રક્રિયામાં જો ખરેખર બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હોય તો માત્ર મંડળીના મંત્રી સુધી તપાસ મર્યાદિત ન રાખીને લોન મંજૂરી અને વિતરણની સમગ્ર પ્રક્રિયાની તપાસ થવી જોઈએ.
જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
ખેડૂતોના જણાવ્યા મુજબ, તેમના નામે થયેલા ધિરાણ અંગેની સંપૂર્ણ માહિતી બહાર આવે અને જે કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ છે. સાથે જ બેંક અને સહકારી મંડળીની લોન પ્રક્રિયામાં કોઈ બેદરકારી કે ગેરરીતિ થઈ છે કે કેમ તેની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે.
આ સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધ્યા બાદ કથિત રૂ. 4.43 કરોડની ઉચાપત, 299 સભાસદોના ધિરાણ અને બેંક તથા મંડળીના સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે વધુ હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.
નોંધ: ઉપરોક્ત અહેવાલમાં રજૂ થયેલા આક્ષેપો ફરિયાદી પક્ષ, ખેડૂતો અને સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવેલા હોવાના આધારે રજૂ કરવામાં આવ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

