ઘેટાં-બકરાંની ચોરીનો પ્રયાસ હોવાની આશંકા વચ્ચે જોગાભાઈ રબારીને છાતીના નીચેના ભાગે ગોળી વાગી; ગંભીર હાલતમાં ગાંધીધામ ખસેડાયા

રાપર તાલુકાના ગેડી અને ફતેહગઢ ગામ વચ્ચે આવેલા ભોજનારી ડેમના કિનારે તા. 16 સપ્ટેમ્બર 2026ની વહેલી સવારે સનસનાટીભરી ઘટના બની હતી. પોતાના માલ-ઢોરની રખેવાળી માટે ડેમ નજીક પડાવ નાખીને રહેતા પશુપાલક પરિવાર પર બે અજાણ્યા શખ્સો મોટરસાયકલ પર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન બૂમાબૂમ થતાં એક શખ્સે બંદૂક જેવા હથિયારથી ફાયરિંગ કરતાં જોગાભાઈ મમુભાઈ રબારીને ગોળી વાગી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના નાની રવ ગામના વતની ખોડાભાઈ કાનાભાઈ રબારી પોતાના પરિવાર તથા સગા-સંબંધીઓ સાથે આશરે 300 જેટલા ઘેટાં-બકરાં રાખી પશુપાલનનો વ્યવસાય કરી જીવનનિર્વાહ કરે છે. હાલ તેઓ પોતાના મોટા બાપુ મમુભાઈ, તેમના પુત્ર જોગાભાઈ તથા અન્ય સ્વજનો સાથે ભોજનારી ડેમ નજીક ખુલ્લામાં પડાવ નાખીને પશુઓની રખેવાળી કરી રહ્યા હતા.

રાત્રિના અંધારામાં બે શખ્સો મોટરસાયકલ પર આવ્યા

તા. 16 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે અઢી વાગ્યાના સુમારે પશુપાલકોનો પડાવ ઊંઘમાં હતો ત્યારે એક મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો શંકાસ્પદ રીતે ત્યાં પહોંચ્યા હતા. અહેવાલ મુજબ તેમનો ઈરાદો પશુઓની ચોરી કરવાનો હોવાની આશંકા છે.

દરમિયાન માલ-ઢોરની સુરક્ષા માટે જાગતા રહેલા જોગાભાઈની નજર બંને શખ્સો પર પડી હતી. તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી ‘ચોર-ચોર’ની બૂમો પાડતાં પડાવમાં હંગામો મચી ગયો હતો.

બૂમાબૂમ થતાં એક શખ્સે કર્યું ફાયરિંગ

જોગાભાઈની બૂમો સાંભળીને ચોરીનો પ્રયાસ નિષ્ફળ જશે તેવી સ્થિતિ સર્જાતા બંને શખ્સો ગભરાઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન એક શખ્સે પોતાની પાસે રહેલું બંદૂક જેવું હથિયાર કાઢીને જોગાભાઈ તરફ તાકી ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગમાં જોગાભાઈને છાતીના નીચેના ભાગે જમણી બાજુએ ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગોળી વાગતાં જ તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.

ધડાકો અને બૂમાબૂમથી અન્ય પશુપાલકો દોડી આવ્યા

ફાયરિંગનો અવાજ તથા બૂમાબૂમ સાંભળીને પડાવમાં રહેલા અન્ય પશુપાલકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં બંને અજાણ્યા હુમલાખોરો મોટરસાયકલ પર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

પરિવારજનોએ ઈજાગ્રસ્ત જોગાભાઈને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે રાપર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તેમની ઈજા ગંભીર જણાતા તબીબોની સલાહથી વધુ સારવાર તથા ઇમરજન્સી ઓપરેશન માટે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

રાપર પોલીસે તપાસ હાથ ધરી

આ સમગ્ર બનાવ અંગે ખોડાભાઈ કાનાભાઈ રબારીની ફરિયાદના આધારે રાપર પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તથા હથિયાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. બનાવની વધુ તપાસ પી.આઈ. આર.એલ. ખટાણા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ, ઘટનામાં વપરાયેલા હથિયાર અને મોટરસાયકલ સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ભોજનારી ડેમ જેવા ખુલ્લા વિસ્તારમાં રાત્રિના સમયે પશુપાલકોના પડાવમાં બનેલી આ ઘટનાને પગલે પશુપાલક પરિવારોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!