૬૦ વર્ષથી રોજીરોટી કમાતા પરિવારો સામે કાર્યવાહીનો વિરોધ, મનજી રાઠોડની NHAIને લેખિત રજૂઆત
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક નેશનલ હાઇવે પર વર્ષોથી હોટેલ-ઢાબા ચલાવીને રોજીરોટી મેળવતા નાના ધંધાર્થીઓને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ગાંધીધામ કચેરી દ્વારા જગ્યા ખાલી કરવાની સાત દિવસની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શિકારપુર નજીકના હાઇવે વિસ્તારમાં કેટલાક પરિવારો છેલ્લા અનેક દાયકાઓથી નાના ઢાબા અને હોટેલો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અચાનક જગ્યા ખાલી કરવાની નોટિસ મળતાં તેમના ધંધા અને રોજીરોટી પર સંકટ ઊભું થયું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માત્ર શિકારપુરના ઢાબા સામે જ કાર્યવાહી કેમ?
આ મુદ્દે ભચાઉ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તથા ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ આર. રાઠોડે NHAIના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં તેમણે આક્ષેપ કર્યો છે કે સામખિયાળીથી સુરજબારી સુધીના હાઇવે પર અંદાજે ૫૦ જેટલા હોટેલ-ઢાબા આવેલા છે. તેમ છતાં માત્ર શિકારપુર ગામના ઢાબા ધારકોને નોટિસ આપવામાં આવી રહી હોવાનો તેમણે સવાલ ઉઠાવ્યો છે.
મનજીભાઈ રાઠોડે રજૂઆતમાં જણાવ્યું છે કે જો હાઇવેની જમીન કે નિયમોના ભંગના આધારે કાર્યવાહી કરવાની હોય તો તમામ સ્થળોએ નિયમોનો સમાન અમલ થવો જોઈએ. એક જ વિસ્તાર અથવા ગામના લોકોને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં ન આવે અને સંબંધિત તમામ ઢાબા-હોટેલોની સ્થિતિ અંગે પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ટોલ પ્લાઝાને લઈને પણ ગ્રામજનોમાં નારાજગી
શિકારપુર ટોલ પ્લાઝાને લઈને પણ આસપાસના ગામોના ખેડૂતો અને મજૂરોમાં લાંબા સમયથી મુશ્કેલી હોવાનો મુદ્દો રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.
શિકારપુર, સુરજબારી અને વાઢીયા સહિતના નજીકના ગામોના લોકોને ખેતર, કામકાજ અથવા રોજિંદી અવરજવર માટે ટોલ વિસ્તાર પસાર કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો માટે ટોલ સંબંધિત રાહત અથવા યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે.
નોટિસની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખવાની માંગ
મનજીભાઈ રાઠોડે માંગ કરી છે કે ઢાબા ધારકો સામેની હાલની નોટિસની કાર્યવાહી તાત્કાલિક મુલતવી રાખવામાં આવે. હાઇવેની હદ બહાર આવતા હોય તેવા ઢાબા-હોટેલ ધારકોને જરૂરી મંજૂરી અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, તેમણે કચ્છના સાંસદ, કચ્છ જિલ્લા કલેક્ટર તથા રાજ્ય સરકારને સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી છે.
દાયકાઓથી નાના વ્યવસાયના આધારે પરિવારનું ગુજરાન ચલાવતા લોકો સામેની કાર્યવાહી અંગે હવે NHAI અને જિલ્લા તંત્ર શું નિર્ણય લે છે તેના પર સ્થાનિકોની નજર છે. નિયમોનો અમલ થાય તેની સાથે નાના ધંધાર્થીઓની રોજીરોટી અને કાયદેસરની પ્રક્રિયાના હકોનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
