‘એક સ્વર, એક સમય અને એક રાષ્ટ્રીય ચેતના’ના સંદેશ સાથે વિદ્યાર્થીઓ-શૈક્ષણિક સ્ટાફે ગુંજાવ્યું સંપૂર્ણ વંદેમાતરમ
![]()
![]()
રાષ્ટ્રીય ભાવના, દેશભક્તિ અને રાષ્ટ્રચેતનાના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે તા. 25 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થા, દિલ્હી દ્વારા સંયુક્ત ઉપક્રમે ‘નમામિ ભારતમ’ શીર્ષક હેઠળ સંપૂર્ણ વંદેમાતરમના સામૂહિક ગાયનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંઘીય પ્રકલ્પ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં શિસ્ત, અનુશાસન અને નિયમાનુસાર સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંયોજન શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગની આસિસ્ટન્ટ અધ્યાપિકા તથા રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કાર્યકર ડૉ. કુંજલ ત્રિવેદીને સોંપવામાં આવ્યું હતું. ડૉ. કુંજલ ત્રિવેદીના સુવ્યવસ્થિત આયોજન હેઠળ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 11 વાગ્યે યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા એકસાથે સંપૂર્ણ વંદેમાતરમનું સામૂહિક ગાયન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં એકસાથે ગુંજેલા વંદેમાતરમના સ્વરે રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને રાષ્ટ્રચેતનાનો માહોલ સર્જાયો હતો.
‘નમામિ ભારતમ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ‘એક સ્વર, એક સમય અને એક રાષ્ટ્રીય ચેતના’ ના ભાવને ઉજાગર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રહિતમાં વ્યક્તિની કર્તવ્યનિષ્ઠા, રાષ્ટ્રીય ભાવના તથા સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારી અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સંયોજિકા ડૉ. કુંજલ ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમના વિષય અને તેના હેતુ અંગે વિસ્તૃત વાત રજૂ કરી હતી. તેમણે રાષ્ટ્રહિતમાં કર્તવ્યનિષ્ઠા, રાષ્ટ્રીય ચેતના અને દેશપ્રેમને જીવનમાં ઉતારવાની આવશ્યકતા અંગે પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ પ્રો. નરેન્દ્ર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં રાષ્ટ્રીય ચેતના, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રકાર્યોના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં યુવા પેઢીને રાષ્ટ્રનિર્માણમાં પોતાની ભૂમિકા નિભાવવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે અનુસ્નાતક વિભાગના નિદેશક પ્રો. વિનોદ ઝાએ વંદેમાતરમ ગીતના ભાવ, અર્થ અને તેની પાછળ રહેલી રાષ્ટ્રીય ચેતનાને વિદ્યાર્થીઓ સમક્ષ સરળતાથી રજૂ કરી હતી. સાથે જ શોધ નિદેશક ડૉ. ડી.એમ. મોકરિયા સહિત યુનિવર્સિટીના શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના જોવા મળી હતી. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક સામૂહિક ગાયનમાં ભાગ લઈ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવનાને અભિવ્યક્ત કરી હતી.
કાર્યક્રમના સફળ અને શિસ્તબદ્ધ આયોજન બદલ પ્રભારી કુલપતિ પ્રો. નરેન્દ્ર પંડ્યાના હસ્તે કાર્યક્રમની સંયોજિકા ડૉ. કુંજલ ત્રિવેદીને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રભારી કુલપતિએ કાર્યક્રમના ઉર્જાવંત, ઉત્તમ અને સુવ્યવસ્થિત આયોજન બદલ ડૉ. કુંજલ ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન B.Ed.ની વિદ્યાર્થીની દૃષ્ટિ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમની આભારવિધિ B.Ed.ની છાત્રા રિદ્ધિ ભિમાણીએ કરી હતી.
અંતમાં વંદેમાતરમના ગગનભેદી નારા સાથે રાષ્ટ્રહિતની પ્રાર્થના કરવામાં આવી હતી. મહાદેવ સોમનાથની કૃપાથી કાર્યક્રમ નિર્વિઘ્ને પૂર્ણ થતાં સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો, શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સામૂહિક ગ્રુપ ફોટો પડાવી કાર્યક્રમનું ભાવપૂર્ણ સમાપન કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા, સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ અને રાષ્ટ્રહિતમાં કર્તવ્યનિષ્ઠાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જય સોમનાથ.
The Gujarat Live News રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ

