SOG પાટણની કાર્યવાહી: ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિત રૂ. 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

પાટણ જિલ્લામાં મેડિકલ ડિગ્રી કે માન્ય લાઇસન્સ વિના લોકોની સારવાર કરી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબી પ્રેક્ટિશનરો સામે એસ.ઓ.જી. પાટણ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિદ્ધપુર અને શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ ઓફિસર સાથે કરવામાં આવેલી તપાસ દરમિયાન બે શખ્સો બોગસ ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરતા મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, બનાસકાંઠા રેન્જના I/C પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાં મેડિકલ ડિગ્રી વિના સારવાર કરતા નકલી ડોક્ટરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અકબરભાઇ ઇદ્રીશભાઇ વોરા (ઉં.વ. 52), રહે. નાની બુરહાની સોસાયટી, મકાન નં.16, સિદ્ધપુર મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ તેઓ જરૂરી મેડિકલ ડિગ્રી અને લાઇસન્સ વિના દર્દીઓની તપાસ કરી દવાઓ તથા ઇન્જેક્શન આપતા હોવાનું સામે આવ્યું હતું. તેમની પાસેથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ રૂ. 11,030.74નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

બીજી તરફ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હબીબભાઇ ઉસ્માનભાઇ વોરા (ઉં.વ. 45), રહે. દુદખા, તા. સમી, જી. પાટણને પણ મેડિકલ ડિગ્રી અને લાઇસન્સ વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ રૂ. 8,972નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNS-2023ની કલમ 319(2) તથા મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 હેઠળ અલગ-અલગ ગુના નોંધાવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત બંને કેસમાં મળીને રૂ. 20,002.74નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

બે અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા

સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અકબરભાઇ વોરા વિરુદ્ધ ગુ.ર.નં. 11217030261049/2026 તથા શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં હબીબભાઇ વોરા વિરુદ્ધ ગુ.ર.નં. 11217002260423/2026 નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પી.એસ.આઇ. ડી.કે. ચૌધરી, પી.એસ.આઇ. એ.પી. ઠાકોર તેમજ એ.એસ.આઇ. શૈલેષકુમાર રામજીભાઇ, એ.એસ.આઇ. બળદેવસિંહ પ્રવિણજી, અ.પો.કો. દિનેશભાઇ રત્નાભાઇ, આ.પો.કો. ભરતજી હમીરજી અને આ.પો.કો. રંભાજી બાલાજી સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસની આ કાર્યવાહીથી મેડિકલ ડિગ્રી કે જરૂરી લાઇસન્સ વિના સારવાર કરતા લોકોમાં ચકચાર ફેલાઇ છે. બિનઅધિકૃત રીતે દવા અને ઇન્જેક્શન આપવાના કિસ્સામાં દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાથી આવા કિસ્સાઓ સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!