સર્વે નં.175ની જમીન મામલે 10 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના, નહીં તો સરપંચ સામે પગલાંની ચેતવણી; ડેપ્યુટી સરપંચે પંચાયતના હિસાબો અંગે પણ સવાલો ઉઠાવ્યા

ઈડર તાલુકાના મણિયોર ગામમાં ગૌચરની જમીનમાં કથિત રીતે થયેલા બેફામ ખનનનો મામલો હવે સરકારી તંત્ર સુધી પહોંચ્યો છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સર્વે નંબર 175ની ગૌચર જમીનમાં મોટા પાયે ખોદકામ થતાં વિશાળ ખાડો સર્જાયો હોવાના આક્ષેપો વચ્ચે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગૌચરની જમીનમાં થયેલા ખનન અંગે તંત્રનું ધ્યાન દોરાયા બાદ TDO દ્વારા પંચાયતને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. નોટિસમાં દસ દિવસની અંદર જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો સરપંચ સામે પણ નિયમ મુજબ પગલાં લેવામાં આવી શકે તેવી ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

TDOની નોટિસ બાદ મણિયોર ગ્રામ પંચાયતના વહીવટને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. ગૌચરની જમીન પર થયેલા ખનન અંગે જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

પંચાયતના નાણાકીય વ્યવહાર અંગે પણ સવાલો

આ સમગ્ર મામલા વચ્ચે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કનુભાઈ પટેલે પંચાયતના વહીવટ અને આવકના હિસાબ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ પંચાયતની વિવિધ સ્ત્રોતોમાંથી થતી આવકનો સંપૂર્ણ હિસાબ કમિટીના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી.

કનુભાઈ પટેલના દાવા મુજબ પંચાયતને વેરા પેટે આશરે રૂ.7 લાખ, લોકફાળા મારફતે રૂ.25 હજાર અને જિયો ટાવરથી આશરે રૂ.70 હજારની આવક થતી હોવાનું જણાવાયું છે. જોકે આ રકમના હિસાબ અને ઉપયોગ અંગે પૂરતી વિગતો કમિટીને આપવામાં આવી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

રોડના કામ અંગે પણ વિવાદ

ડેપ્યુટી સરપંચે વાલ્મિકી સમાજના વિસ્તારમાં રોડ બનાવવા માટે થયેલા ઠરાવમાં ફેરફાર કરાયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમના કહેવા મુજબ મૂળ ઠરાવમાં દર્શાવાયેલા સ્થળને બદલે અન્ય સ્થળે રોડનું કામ કરવામાં આવ્યું હતું અને રોડની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે.

હિસાબ-કિતાબ અંગે સ્પષ્ટતા ન મળવાના મુદ્દે કમિટીના સભ્યો દ્વારા લોકફાળો નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો પણ સામે આવ્યો છે.

અવિશ્વાસની દરખાસ્તની ચર્ચાથી રાજકારણ ગરમાયું

મણિયોર ગ્રામ પંચાયતમાં વહીવટી મુદ્દાઓને લઈને આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. પંચાયતના પાંચ સભ્યો દ્વારા આગામી દિવસોમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની તૈયારી હોવાના દાવાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

હવે એક તરફ ગૌચર જમીનમાં થયેલા કથિત ખનન અંગે TDOની નોટિસ મુજબ કાર્યવાહી થાય છે કે નહીં અને બીજી તરફ પંચાયતના વહીવટ તથા નાણાકીય હિસાબ અંગે ઉઠેલા સવાલોનું શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું. સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને જવાબદારોની કાર્યવાહી બાદ જ હકીકત વધુ સ્પષ્ટ થશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!