આ વર્ષે નવરાત્રીમાં અમદાવાદ અને સુરત સહિત ગુજરાતના જાણીતા બજારોમાં ચણિયાચોળીની ખરીદી અને કસ્ટમાઇઝેશનનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. માત્ર ચણિયાચોળીના રંગ અને ડિઝાઇન જ નહીં, પરંતુ પીકોક થીમ, મૂન એમ્બ્રોડરી, બારલુ, હેન્ડવર્ક અને અલગ-અલગ શેડ્સવાળા દુપટ્ટા તથા વધારે ઘેર (ફ્લેર) ધરાવતા ચણિયાની માગ વધી છે. ગ્રાહકો પસંદગી મુજબ ઓર્ડર આપીને પોશાક કસ્ટમાઇઝ કરાવી રહ્યા છે. આ ઉત્સાહને લીધે ફેશન ડિઝાઇનર્સ અને બુટિક્સમાં ઓક્ટોબર સુધીના બુકિંગ અત્યારથી જ ફૂલ થઈ ગયા છે. દેશ તેમજ વિદેશથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ બુકિંગમાં 30 ટકાનો વધારો થયો છે. ‘Gen Z’માં ઇન્ડો-વેસ્ટર્ન, પેસ્ટલ શેડ્સ અને બજેટ-ફ્રેન્ડલી ફેશનનો ક્રેઝ
આજના ‘Gen Z’ ક્રાઉડમાં પરંપરાગત હેવી ચણિયાચોળી કરતા મોર્ડન ઇન્ડો-વેસ્ટર્ન અને પેસ્ટલ શેડ્સવાળા પોશાક પહેરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવક-યુવતીઓ અતિશય ભારે વર્કની જગ્યાએ સ્પેગેટી, હોલ્ટર નેક, સ્લીવલેસ વિથ ટેસલ્સ અને હળવા વજનના (લાઇટવેઇટ) સ્ટાઇલિશ કપડાંને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. ઉપરાંત, મૂળ કચ્છી આભલા વર્કની ચણિયાચોળી અત્યંત કિંમતી હોવાથી નવરાત્રીના દસેય દિવસ અલગ-અલગ ડ્રેસ પહેરવા ઇચ્છતા યુવાનો માટે તે બજેટ બહાર જતું હોય છે. આથી, આર્થિક રીતે પોસાય તેવા, કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ વિકલ્પ તરીકે ઇન્ડો-વેસ્ટર્ન ડિઝાઇન અત્યારે યુવા વર્ગમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતમાં ટ્રેન્ડી અંદાજ માટે ક્લાસિક ઘાટા રંગો સામે પેસ્ટલ શેડ્સની એન્ટ્રી
નવરાત્રિમાં સામાન્ય રીતે લાલ, પીળો કે ઘાટો લીલો જેવા પરંપરાગત કલર્સ વધુ પહેરાતા હોય છે, પરંતુ આ વર્ષે તેના સ્થાને પેસ્ટલ કલર્સનો ટ્રેન્ડ 100% જોવા મળી રહ્યો છે. મોટા આયોજનોમાં રમતા ખેલૈયાઓ અને ગ્રૂપ્સ ખાસ ડ્રેસકોડ માટે પેસ્ટલ શેડ્સ પસંદ કરી રહ્યા છે. સુરતના ફેશન ડિઝાઇનર ગ્રીષ્મા માસ્તરે ભાસ્કરને કહ્યું કે, અત્યારનું જેન-ઝી ક્રાઉડ છે, એ ડેફિનેટલી ઇન્ડો-વેસ્ટર્ન વધારે પ્રિફર કરે છે. એનું કારણ છે કે એમાં સ્પેગેટી, હોલ્ટર નેક, સ્લીવલેસ વિથ ટેસલ્સ અને બહુ જ લાઇટવેઇટ ચણિયાચોળીના વિકલ્પો મળે છે. જ્યારે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મેદાનમાં રમે છે, ત્યારે મોટાભાગના લોકો ટ્રેડિશનલ ડાર્ક કલર્સ પહેરે છે. એવામાં બધા કરતાં અલગ અને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે યુવા ગ્રૂપ્સે પેસ્ટલ કલર્સ પસંદ કર્યા છે, કારણ કે મેદાનની મોટી હેલોજન લાઇટ્સમાં આ કલર્સ તરત જ હાઇલાઇટ થાય છે. આ લાઇટ શેડ્સ ખેલૈયાઓને એક સોફિસ્ટિકેટેડ અને ટ્રેન્ડી અંદાજ આપે છે. રમવાની સરળતા માટે કોટન ફેબ્રિકની બોલબાલા અને NRIની ટ્રેડિશનલ પસંદ
ગ્રીષ્મા માસ્તરે કહ્યું કે, જ્યારે તમે સતત 5થી 8 કલાક ગરબે ધમધોકાર રમો છો, ત્યારે કોટન કાપડ પરસેવો શોષી લે છે અને સાથે-સાથે ખેલૈયાઓને સુંદર ગ્રેસ, મોટો ફ્લેર (ઘેર) તથા એક અનોખી પર્સનાલિટી પૂરી પાડે છે. 11 દેશોમાં ગ્રાહકો ધરાવતા ડિઝાઇનરે સ્પષ્ટ કર્યું કે, જ્યારે વિદેશમાં વસતા NRI ગ્રાહકોની વાત આવે છે, ત્યારે તેમનો ઝોક સંપૂર્ણપણે આપણી સંસ્કૃતિ તરફ રહે છે. રેન્ટલ કલ્ચર સામે નવું કલેક્શન ખરીદવાનો ટ્રેન્ડ અને મિક્સ-એન્ડ-મેચ કોન્સેપ્ટ
‘આજે ભાડે એક દિવસના ચણિયાચોળી લેવા જાઓ તો રૂ.2500થી 3000 ખર્ચાઈ જાય છે, જ્યારે હાલના બજારમાં 3 હજારથી 4 હજારમાં તો રોજના નવા ચણિયાચોળી ખરીદીને પહેરી શકાય તેવી ઉત્તમ વેરાઇટી ઉપલબ્ધ છે. જે યુવાનો દર વર્ષે નવો ખર્ચ ન કરવા માંગતા હોય, તેમના માટે મિક્સ-એન્ડ-મેચ કોન્સેપ્ટ શ્રેષ્ઠ વિકલ્પ છે. જૂના ચણિયા સાથે નવું બ્લાઉઝ, કોન્ટ્રાસ્ટ કે મેચિંગ દુપટ્ટો અને ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે નવી સ્ટાઇલમાં ડ્રેપિંગ કરીને જૂના આઉટફિટને પણ એકદમ નવો અને ફ્રેશ લૂક આપી શકાય છે.’ પીકોક થીમ, મૂન એમ્બ્રોડરી, બારલુ અને હેન્ડવર્કવાળા દુપટ્ટા ટ્રેન્ડમાં
અમદાવાદના ફેબુરા બુટિકના ઓનર કિંજલ ઠક્કરે ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ વખતે શેરી અફેરમાં વ્હાઇટ, પિંક બટરફ્લાયમાં પિંક, રાતલડીમાં રેડ આમ અત્યારે સૌથી વધુ આ કલર ટ્રેડિંગમાં છે. પરંતુ અત્યારે આનાથી પણ વધારે શેડ વાળા દુપટ્ટા, પીકોક થીમ વાળા દુપટ્ટા અને એમ્બ્રોડરી વાળા દુપટ્ટા મૂન એમ્બ્રોડરી વાળા દુપટ્ટા પણ ખૂબ જ ટ્રેડિંગમાં છે. ફ્લેર વાળા ચણિયા, આંગી બ્લાઉઝની ખૂબ મોટી ડિમાન્ડ
‘અત્યારે લોકોમાં ફ્લેર વાળા ચણિયાની ખૂબ મોટી ડિમાન્ડ આવી રહી છે. લોકો આંગી બ્લાઉઝ અને પોતાના ફેવરિટ કલર અથવા ગરબા નાઇટ માટે સુટેબલ કલર વાળા ચણિયાવોળી કસ્ટમાઈઝ કરાવવા માટે આવતા હોય છે. અત્યારે અમારે ત્યાં બધું જ બુકિંગ પેક છે. આખો ઓક્ટોબર મહિના સુધીનું બુકિંગ પેક છે. અમારે ત્યાં ફોરેન અને યુએસ જેવા કન્ટ્રીમાંથી પણ ઓર્ડર આવતા હોય છે. તો અમે એમની માટે ચણિયાચોળી બનાવીને મોકલાવેલા છે.’ ‘અમે ચણિયાચોળી રેન્ટ પર નથી આપતા પરંતુ આ વખતે અમને ઈન્સ્ટાગ્રામ પર લોકો મેસેજ કરી રહ્યા છે. વોટ્સએપ પર મેસેજ કરતા હોય છે એટલે આ વખતે ફક્ત નવરાત્રી પૂરતું હું ચણિયાચોળી રેન્ટ પર આપવાનું વિચારી રહી છું. અત્યારે અમારી પાસે 10 લોકો કામ કરે છે. જેમાં જેની એક્સપર્ટાઇઝ હોય એમાં લોકો કામ કરી રહ્યા છે. એમાં હેન્ડવર્કના કારીગર અને મશીન વર્કના કારીગર અલગ છે. સ્ટીચિંગ વગેરા માટે પણ અલગ કારીગરો રાખેલા છે.’ લંપી તોઇની સાથે બારલા, બાંધણીમાં આરી ટિક્કીના દુપટ્ટાનો ક્રેઝ
ગઝલ ક્રિયેશનના ઓનર મંજુશા કોઠારીએ ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, લંપી તોઇની સાથે બારલાને એડ કર્યો છે. બારલુ એટલે કે મુકેશ વર્ક તારથી થતું હોય અને જે ટોટલી હેન્ડવર્ક વાળું હોય છે. ઘણીવાર અમે તેને લો રેન્જ માટે સ્ટીકવાળું બારલુ પણ કરતા હોઈએ છીએ. ‘અમારે કોઈ 12 મીટરનો ઘાઘરો તૈયાર કરવાનો હોય તો તેની પાછળ 12 કલાકનો સમય લાગે છે. મારી ટીમના 10 લોકો ભેગા થઈને ચણિયાચોળી બનાવે તો દોઢથી બે દિવસમાં સુંદર ચણિયાચોળી બની જતી હોય છે. ઓછામાં ઓછી કિંમતનો ઘાઘરો 1500થી 2000 સુધીમાં બનતો હોય છે. બ્લાઉઝ પણ 1000 રૂપિયાથી લઈને 4500થી 5000 સુધીમાં બનતો હોય છે. દુપટ્ટો પણ 550થી સ્ટાર્ટ થઈને 4500 સુધીમાં થઈ જતા હોય છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 25થી 30 ટકા જેટલો વધારો મને બુકિંગમાં જોવા મળ્યો છે. બધા એવું કહી રહ્યા છે કે વૈશ્વિક મંદી છે પણ ગુજરાતની નવરાત્રીમાં ક્યારેય મંદી નથી આવતી.’ ‘અમે 200થી વધુ ચણિયાચોળી બનાવીને ડિલિવર કરી દીધા’
મંજુશા કોઠારીએ કહ્યું કે, અમે લોકો નવરાત્રીમાં કામની શરૂઆત મે મહિનાથી કરીએ છીએ અને ત્યારબાદ શ્રાદ્ધ આવે એટલે અમારે હાઉસફુલનું પાટિયું લગાવી દેવું પડતું હોય છે. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અમે ટોટલી નવરાત્રીનું જ કામ કર્યું છે. અત્યાર સુધીમાં અમે 200થી વધુ ચણિયાચોળી બનાવીને ડિલિવર કરી દીધા છે. અત્યારે લાલિત્ય મુન્શા બોમ્બેથી સ્પેશિયલ અમદાવાદમાં સ્ટેજ શો કરવા આવવાના છે. તો એમણે એવું કહ્યું કે મારે ગઝના જ ચણિયાચોળી પહેરવા છે, તો અમે એમની માટે રાત્રે જાગીને પણ કામ કરતા હોઈએ છીએ.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!