હોમિયોપેથીક ડોક્ટરો એલોપેથીક સારવાર કરતા હોવાના આક્ષેપો; મોંઘી દવાઓના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો, આરોગ્ય વિભાગ અને SOG તપાસ કરે તેવી લોકમાંગ.
પાટણ જિલ્લાના વારાહી અને સાંતલપુર તાલુકામાં કથિત બોગસ તબીબોની પ્રવૃત્તિઓને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. કેટલાક હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા એલોપેથીક પદ્ધતિથી સારવાર કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ પ્રકારની સારવારથી સામાન્ય અને ગરીબ દર્દીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોમાં થતી ચર્ચા અને ફરિયાદો મુજબ કેટલાક દવાખાનાઓમાં દર્દીઓને મોંઘી દવાઓ આપવામાં આવે છે અને સારવારના નામે મોટી રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જો આ ફરિયાદો સાચી સાબિત થાય તો આરોગ્ય વિભાગ માટે ગંભીર તપાસનો વિષય બની શકે છે.
અગાઉ પણ પાટણ જિલ્લામાં બોગસ તબીબો સામે કાર્યવાહી થઈ હોવાના બનાવો સામે આવ્યા છે. તેમ છતાં આવી પ્રવૃત્તિઓ ફરી શરૂ થતી હોવાની ફરિયાદો તંત્રની દેખરેખ અને તપાસની કામગીરી સામે સવાલો ઊભા કરી રહી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે વારાહી ખાતે તાલુકા હેલ્થ ઓફિસરની કચેરી આવેલી હોવા છતાં આ વિસ્તારમાં ચાલતા ખાનગી દવાખાનાઓની નિયમિત તપાસ થાય છે કે નહીં તે અંગે લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કેટલી તપાસ કરવામાં આવી અને નિયમોનો ભંગ કરનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી તે જાહેર કરવાની પણ માંગ ઊઠી છે.
શું આરોગ્ય વિભાગની નજર હેઠળ જ બોગસ તબીબો બેફામ બન્યા છે?
હવે સ્થાનિક લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને SOG દ્વારા વારાહી તથા સાંતલપુર તાલુકામાં ચાલતા તમામ ખાનગી દવાખાનાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તબીબી લાયકાત, જરૂરી રજિસ્ટ્રેશન અને સારવાર માટેની કાયદેસર મંજૂરીની ચકાસણી કરવામાં આવે તથા ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ગરીબ અને સામાન્ય જનતાના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તંત્ર સમયસર જાગે તે જરૂરી બન્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
