‘મારો ભાઈ મારા કરતા નાનો હતો પણ હું ના બોલું તો પણ એને ખબર પડી જતી હતી અને મારી અંકિતા ફૂલ જેવી હતી પણ મને એની સાથે વધારે રહેવા મળ્યું નથી. કોઈ દિવસ મને એને એકલી નથી પાડી. મારી અંકિતા મારી સાથે ઝઘડતી કે દીદી હવે તમે આવો તો મને અગાઉથી જાણ કરજો તો હું રજા લઈને ઘરે રહીશ. બંને પતિ-પત્ની વચ્ચે એટલો સંબંધ હતો કે બને એકબીજા વગર પાણી પણ ન પીવે. બંને એકબીજાની આંખોમાં જોઈને સમજી જતા હતા. છેવટે વિધાતાએ તેઓના લેખ પણ એવા જ લખ્યા. બંને સાથે ગયા કોઈ એકબીજા વગર રહી શકતા ન હતા.’ આ શબ્દો છે, એકના એક ભાઈ-ભાભી ગુમાવનારી બહેનના. આ પણ વાંચો:- સાથે જીવ્યાં-સાથે મર્યાં, CCTV:6 સેકન્ડમાં પતિ-પત્ની ઢળી પડ્યાં, ખાડાથી બચ્યાં, પણ કરંટથી નહીં અમદાવાદ શહેરની નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજન સિંઘલ અને તેમનાં પત્ની અંકિતાબેન સોમવારે મોડી રાત્રે એક્ટિવા પર મટન ગલીમાંથી પસાર થઈ રહ્યાં હતાં, પરંતુ પાણી ભરાયેલું હોવાથી તેઓ ઊતરી ગયાં હતાં અને એક્ટિવા દોરીને લઈ જતાં હતાં ત્યારે અંકિતાબહેન પડી ગયાં હતાં, જેમને ઉપાડવા જતા રાજનભાઈ પણ પડ્યાં હતાં. જોકે વીજ થાંભલાના ખુલ્લા વાયરને કારણે પાણીમાં કરંટ હોવાથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ દંપતી વચ્ચે રહેલા જન્મો જન્મના અનોખા બંધન તથા પરિવાર અંગે જાણવા દિવ્ય ભાસ્કરે મૃતક રાજન સિંઘલના માતા તથા બહેન સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન રાજનની બહેન સતત રડતી રહી હતી અને આંખોમાંથી દડ…દડ…આંસુઓ વહેતા રહ્યા હતા. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે આ દુઃખની ઘડીમાં પરિવારને મળવા પહોંચી, ત્યારે સ્વજનોના હૈયાફાટ રુદન અને વાતો સાંભળીને સૌની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારે જણાવ્યું કે, પતિ-પત્ની વચ્ચે અનહદ પ્રેમ હતો. બન્ને એકબીજા વગર પાણી પણ પીતા ન હતા. તેઓએ એકબીજાના હાથમાં તેમના નામના ટેટૂ પણ ત્રોફાવ્યા હતા. ‘મારા ભાઈને મારા હાથમાં લીધો ત્યારથી અંતિમ વિદાય સુધી આટલી જ સફર હતી’
રાજન સિંઘલના બેન પ્રિયંકાએ રડતા રડતા વાત કરતા જણાવ્યું હતું કે, જેની પણ બેદરકારી હોય પણ અમે નોંધારા થઈ ગયા છીએ. અમારા ઘરેથી મારો ભાઈ (વિરલો) અને ભાભી ગયા પણ બીજા કોઈ સાથે આવું ન થવું જોઈએ. અને બની શકે એટલે અમને સહાય કરજો. હું એના વિશે કહેવા બેસું તો મારી પાસે વર્ણન કરવા જેવું જ નથી. મેં મારા ભાઈને મારા હાથમાં લીધો ત્યારથી લઈ અંતિમ વિદાય આપી ત્યાં સુધી ભાઈ બહેનની આટલી જ સફર હતી. ‘મારો દીકરો મામા વિના એક મિનિટ રહેતો નથી તેને શું જવાબ આપું’
‘હવે હું એજ અરજી કરું છું કે મારા માવતર નું શું થશે? મારે એમની સામે જોઈને રહેવાનું છે. મારા ભાભી અંકિતા પાલડીમાં કેર ટેકર તરીકે જતા હતા. મારો ભાઈ ગાર્મેન્ટમાં જોબ કરતો હતો. મારા ભાઈને કોઈ શોખ જ ન હતો એને જીવનમાં કોઈ શોખ કર્યા જ નથી. મારો દીકરો મામા વગર એક મિનિટ પણ રહી શકતો નથી. તેને કશું કીધું નથી. હું એને જવાબ શું આપું?’ આ પણ વાંચો: સ્વજનો AMCની ઓફિસે ડેડબોડી લઈ ગયા, પોલીસ સાથે ઘર્ષણ થયું, દંપતીની અર્થી ઊઠતાં માતા-પિતા ભાંગી પડ્યાં ‘​​​​​​​અંકિતા બોલે એટલું જ મારો ભાઈ કરતો હતો, હદ વિનાનો પ્રેમ હતો’
મારી ભાભીને તો ડુંગળી-બટાકાનો ભાવ શું છે એ પણ ખબર નથી હોતી. મારા ભાઈ-ભાભી વચ્ચે હદ વગરનો પ્રેમ હતો. અંકિતા બોલે એટલું જ મારો ભાઈ કરતો હતો. મારો ભાઈ દિલથી રાજા હતો. તે એને લેવા અને મૂકવા જતો, એની રાહ જોઇને બેઠો રહેતો. મારા પપ્પા બીમાર થયા એટલે મારા ભાઈએ મને ફોન કરીને જણાવ્યું. જ્યારે હું આવી ત્યારે મારો ભાઈ જ ન હતો. મારા ભાભીએ મને કોઈ દિવસ રસોડામાં પગ જ નથી મુકવા દીધો. પિયરમાં તેણીએ ક્યારેય ઘર બહાર પગ નહોતો મૂક્યો, પરંતુ અહીં આવીને પરિસ્થિતિ જોઈને કમાવાનું શરૂ કર્યું. ‘કાળી રાત મારા ભાઈ-ભાભીને ભરખી જશે એવું વિચાર્યું પણ નહોતું’
‘મારા ભાઈને મેં નાનપણથી માની જેમ રાખ્યો છે. મારા મમ્મી પપ્પાએ મજૂરી કરેલી એટલે તેઓ મારા ભાઈને ઘરે મૂકીને જતા રહેતા. આવી કાળી રાત મારા ભાઈ-ભાભીને ભરખી જશે એવું વિચાર્યું પણ નહોતું. મારા ભાઈને મેં કાલે કાંધ આપી. અમે સાથે સ્કૂલ જતા. અત્યારે અમારી લંકા લૂંટાઈ ગઈ છે. ન્યાય ખોટો કર્યો ભગવાન તે…ન્યાય ખોટો કર્યો.’ આ પણ વાંચો: સ્ટ્રીટલાઇટના વાયર કે 11000 KVની લાઇન, કોણે લીધો જીવ? ‘એ જે રસ્તે આવ્યા ત્યાંથી તે કોઈ દિવસ નથી નીકળતો’
‘એ દિવસે મારા પપ્પા હોસ્પિટલમાં દાખલ હતા. તેમને મળીને ઘરે આવતા હતા. મારા મામાને ઘરે મૂકીને મારી ઘરે આવતા હતા. દવાખાનેથી મને ફોન કર્યો કે, પપ્પા કહેતા હતા કે, મને સારું છે એટલે તમે દવાખાને ના રહો તો ચાલશે. એટલે મમ્મી પણ ઘરે આવી ગયા. એ જે રસ્તે આવ્યા ત્યાંથી તે કોઈ દિવસ નથી નીકળતો. એ ઘટના પછીના વીડિયો કે ન્યૂઝ જોવા માટે મારું હ્રદય તૈયાર નહોતું.’ ‘એવું કહેતી કે મારા પપ્પા ઊઠી જશે’
મૃતક રાજન સિંઘલના માતા હેતલબેને જણાવ્યું હતું કે, અમે અમારા દીકરા-દીકરીને ભણાવ્યા એનો કોઈ હિસાબ જ નથી, એટલું કામ કરતાં, એ ટાઈમે સિલાઈ કરતી હતી હું, અત્યારે પણ સિલાઈકામ કરું છું. એમાંથી બધો ઉપરનો ખર્ચો હું કાઢી લઉં છું. મારી વહુ સાથે તો મને 10-15 મિનિટ વાત કરવા મળે એ પણ કપડાં ધોતી હોય ત્યારે, કેમ કે , આ વોશિંગ મશીન ફિટ નહોતું કર્યું. એ કપડાં ધોતી હોય અને હું રસોઈ કરતી હોઉં. એટલે એ આ બારણું બંધ કરી દે અને હું આ બારણું બંધ કરી દઉં કેમકે એવું કહેતી કે મારા પપ્પા ઊઠી જશે. એ વાતો કરતી હોય, હું વાતો કરતી હોઉં, એ કપડાં ધોતી હોય ને રસોઈ કરતી હોય. ‘મારી અંકિતાએ જાતે જ કહી દીધું હતું કે મમ્મી જે સપોર્ટ થાય એ હું કરીશ’
‘પરિવારની આર્થિક પરિસ્થિતિ પહેલેથી બહુ ખરાબ હતી. પછી ધીમે ધીમે અમારી મહેનતથી અમે આગળ આવ્યા. ઝીરોમાંથી હું આ જગ્યાએ પહોંચી. પરંતુ મારા ઘરમાં કોઈને વ્યસન નહોતું ને એટલે હું પહોંચી વળતી હતી. વ્યસનમાં પૈસો જતો રહે તો ના બચે. મારો જમાઈ પણ ચા નથી પીતો. મારા છોકરાઓને વ્યસન જ નહીં, મારા ઘરવાળાને વ્યસન નહીં. એ તો એમના જ્યારે ગેસ ને એવું થવા માંડ્યું પછી બીડી પીતા હતા. મારી અંકિતાએ જાતે જ કહી દીધું હતું કે મમ્મી જે સપોર્ટ થાય એ હું કરીશ.જ્યારે હું વઘારેલી ખીચડી બનાવું, તો અંકિતા એમ કહે, કે મમ્મી હું સવારે પણ આજ ખાઈશ, મારું કાલ સવારનું ખાવાનું ના બનાવતા.’ અંકિતાબેન રાજનભાઇ સિંઘલ તથા રાજન હરજીવનભાઇ સિંઘલને મૃત જાહેર કર્યા બાદ સાંજે પતિ-પત્નીના મૃતદેહને નારોલની રુદ્રગ્રીન સોસાયટીમાં તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી દંપતીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ પિતા ઘરે આવ્યા અને પુત્રનો મૃતદેહ જોઈ ભાંગી પડ્યા હતા. તેમજ મૃતક મહિલાના માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. 16 જૂન, 2025ના ઘી કાંટા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના પોલના કરંટથી યુવકનું મોત થયું હતું
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં દૂધવાળી પોલ પાસે વરસાદમાં AMCના સ્ટ્રીટ લાઈટના પોલના કરંટના કારણે જસરાજ ગોયલ નામના યુવકનું મૃત્યુ થયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના થાંભલાની મેન્ટેનન્સની જવાબદારી મેસર્સ સન ટ્રેડિંગ કંપનીની હોવા છતાં પણ કંપનીએ સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થિંગ આપેલું નહોતું અને અન્ય સુરક્ષા નહોતી રાખેલી, જેના કારણે કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું હતું. જેને લઇને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. (વિગતવાર વાંચવા ક્લિક કરો)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!