આ શરીર એક મંદિર સમાન છે, તેને તમાકુ, દારૂ અને ગુટખા જેવા વ્યસનોથી બગાડવું ન જોઈએ: વિનુજી ઠાકોર
ગ્રામજનોના સહકારથી સાંપ્રા ગામ વ્યસન મુક્તિ અભિયાનમાં સફળતાની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે: ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું સાંપ્રા ગામ આજે સમગ્ર જિલ્લામાં નશા મુક્ત અભિયાનનું પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે. ગામના વડીલો અને આગેવાનોની આગેવાનીમાં ચાલી રહેલી વ્યસન મુક્તિ ઝુંબેશને યુવાનોનો સહકાર મળી રહ્યો છે.
આ અભિયાનની શરૂઆત પંદર વર્ષ પહેલાં એદલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે કરી હતી. સાંપ્રા ગામમાં નોકરી દરમિયાન તેમણે જોયું કે ગામમાં બીડી, તમાકુ, મસાલા અને દારૂ જેવા વ્યસનોનું પ્રમાણ ચિંતાજનક હતું. આથી ગામના સરપંચ, આગેવાનો અને વડીલોને સાથે લઈ તેમણે વ્યસન મુક્તિ માટે સતત પ્રયત્નો શરૂ કર્યા.
આ અભિયાનમાં ગામના વિનુજી ઠાકોર અને જેઠુજી ઠાકોર જેવા ગ્રામજનો નરેશભાઈની પ્રેરણાથી પંદર વર્ષ પહેલાં વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો હતો. આજે પણ તેઓ મક્કમ રહી બીડી, તમાકુ અને મસાલા જેવા વ્યસનો થી દૂર છે અને નવી પેઢીને પણ વ્યસન છોડવા પ્રેરણા આપી રહ્યા છે. તેઓનું કહેવું છે કે “આ શરીર એક મંદિર સમાન છે, તેને તમાકુ, દારૂ અને ગુટખા જેવા વ્યસનોથી બગાડવું ન જોઈએ. સાચું સુખ સ્વસ્થ શરીર અને તંદુરસ્તીમાં છે.”
ગામમાં યોજાયેલી તાજેતરની વ્યસન મુક્તિ મિટિંગમાં યુવાન ભરતજી ઠાકોરે વ્યસન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ગામમાં દારૂના ગાળવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ગામનું વાતાવરણ સ્વસ્થ અને સકારાત્મક બની રહ્યું છે.
નરેશભાઈ પટેલ અને તેમના સહયોગી મુકેશભાઈ યોગી સતત ગામની મુલાકાત લઈને વ્યસન છોડવા અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમના અવિરત પ્રયત્નો અને ગ્રામજનોના સહકારથી સાંપ્રા ગામમાં વ્યસન મુક્તિ અભિયાન સફળતાની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે.
સાંપ્રા ગામની આ પ્રેરણાદાયી ઝુંબેશ આજુબાજુના અન્ય ગામો માટે પણ ઉદાહરણરૂપ બની રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
