જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા”નું સામૂહિક પઠન કરી ‘વિકસિત ભારત’ના નિર્માણનો સંકલ્પ લીધો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાંઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસયાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણીની શરૂઆત થઈ છે.
વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી પાટણ ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે, તેઓ સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે અને દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેશે. પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરવા તેમજ દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને, બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા માટે સૌ સદાય પ્રતિબદ્ધ રહેશે.
વધુમાં, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન, વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવાયો હતો.“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સૌએ કટિબદ્ધતા દર્શાવી હતી. અંતે, ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવીને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
