સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં 80 વર્ષથી વધુ સમયથી અહીં ઈંગોરિયાં યુદ્ધની પરંપરા ચાલી આવે છે. દિવાળીની રાત થતાં જ સાવરકુંડલાના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં યુવકો એકઠા થાય છે અને એકબીજા પર ઈંગોરિયાં ફેંકી દિવાળીનો આનંદ માણે છે. સાવરકુંડલાની બજારમાં ખેલાતા આ ઈંગોરિયાંના યુદ્ધને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે પહોંચે છે. ગઈકાલે રાત્રે પણ સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં વર્ષોની પરંપરા માફક સામસામે ગોઠવાઈ ગયા હતા અને એકબીજા પર સળગતાં ઈંગોરિયાં ફેંકી નિર્દોષભાવે ખેલાતા યુદ્ધનો આનંદ માણ્યો હતો. MLA મહેશ કસવાળા પણ ઈંગોરિયાંની રમત રમવા પહોંચી ગયા હતા. સાત દાયકા જૂની છે ઈંગોરિયાં યુદ્ધની પરંપરા
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાંથી યુદ્ધ ખેલાતું હતું. સાવરકુંડલામાં આ પરંપરા છેલ્લાં 80 વર્ષથી વધુ સમયથી ચાલી આવે છે. હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ઈંગોરિયાં યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે યુવકો સામસામા ગ્રુપમાં વહેંચાઈ જાય છે અને બાદમાં એકબીજા પર સળગતાં ઈંગોરિયાં ફેંકી દિવાળીનો આનંદ ઉઠાવે છે. ગત રાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઈંગોરિયાં ફોડી નાખ્યાં હતાં. કઈ રીતે બને છે ઈંગોરિયાં? ઈંગોરિયાં શું છે ? જુઓ મેકિંગ વીડિયો
એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરિયાંનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. એના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાંના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે. ઈંગોરિયાંનું સ્થાન કોકડાએ લીધું
ઈંગોરિયાંનાં વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એનાં વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે, જોકે ત્રણ વર્ષ પહેલાં વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં ઈંગોરિયાં ઓછાં મળી રહ્યાં છે. એના કારણે ઈંગોરિયારસિયાઓ દ્વારા હવે દોરાની કોકડી લેવામાં આવે છે. એમાં કોલસો, ગંધક સહિત સામગ્રી ભરી કોકડાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ઈંગોરિયાં યુદ્ધ નિહાળવા લોકો દૂર દૂરથી આવે છે
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા ઈંગોરિયાં યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ રહ્યું છે. આ યુદ્ધ નિહાળવા માટે લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવાં મોટાં શહેરમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે. પહેલાં ઈંગોરિયાંની રમત રમાતી હતી, પરંતુ સમય જતાં હવે કોકડાંએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરિયાં અને કોકડાં એકબીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતી ન હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!