સાંતલપુર તાલુકામાં સરપંચની ચૂંટણીની જૂની અદાવત રાખીને બે ઈસમ પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

હુમલામાં ઈસબભાઈ ઉર્ફે ઈકલાબભાઈ મલુભાઈ (ઉંમર 50) અને તેમના ભત્રીજા રિયાઝખાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બંને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, ફરીયાદી ઈસબભાઈ પોતાના ભત્રીજા રિયાઝખાનની મોટરસાયકલ પર બેસી ગાંધીધામ જવા માટે સાંતલપુર રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા.

તે દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન સ્ટેશન રોડ પર બળુભાની હોટલ નજીક ગામના મહેન્દ્રસિંહ બાબુભા જાડેજા, સંતુભા મહેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભા દાનુભા રાઠોડ તથા એક અજાણ્યા ઈસમએ ગેંગ બનાવી બોલેરો ગાડીમાં આવી હુમલો કર્યો હતો.

આરોપીઓએ “સરપંચની ચૂંટણીમાં મારા વિરોધમાં પ્રચાર કેમ કર્યો અને મને વોટ કેમ ન આપ્યો?”

કહી ગાળો બોલી ઉશ્કેરણી કરી હતી. 

ગાળો બોલવાની ના પડતા મહેન્દ્રસિંહે લોખંડની પાઇપ વડે ઈસબભાઈના ડાબા હાથે માર કર્યો હતો, સતુભાએ જમણા પગે પાઇપ વડે ઘા કર્યા હતા, જ્યારે બાકીના ઈસમોએ લાકડીઓ વડે શરીરે આડેધડ માર માર્યો હતો.

ભત્રીજા રિયાઝખાન તેમને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ લાકડીઓથી માર માર્યો હતો, જેમાં તેને હાથની આંગળી ફ્રેક્ચર થઈ અને કાન પાસે ટાંકા લેવાયા હતા.

ઘટના બાદ રાહદારી લોકો ભેગા થતા હુમલાખોરો “આજે તો બચી ગયા છો, ફરી ગામમાં દેખાશો તો જાનથી મારી નાખીશું” કહી ધમકી આપી બોલેરો ગાડીમાં ભાગી છૂટ્યા હતા.

સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને તરત જ સાંતલપુર સરકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડોક્ટરોએ ઈસબભાઈના હાથ અને પગના ભાગે ફ્રેક્ચર તેમજ શરીરે મુઢમાર જેવી ઈજાઓ હોવાનું જણાવ્યું છે.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી અને આરોપીઓ વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામાનો ભંગ સહિત ગંભીર કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.

 The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!