જ્યારે કોમનવેલ્થ યોજાશે ત્યારે આંખના પલકારામાં જ મુંબઈ પહોંચી જતી બુલેટ ટ્રેન ‘ઊડતી’ થઈ જશે. જે ગુજરાતની મહેમાનગતિ ને આધુનિક સ્પોર્ટ્સ સ્ટેડિયમની વાઇબ્સ મહેમાનોને સ્વર્ગનો અનુભવ કરાવી દેશે. તો મેટ્રો એક સ્ટેડિયમથી બીજે સ્ટેડિયમ પહોંચાડવામાં એટલી ઝડપ કરશે કે તમે એકપણ મેચની એકપણ મોમેન્ટ નહીં ચૂકો. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે
4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ બની રહ્યું છે, જે કોમનવેલ્થનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે
કોમનવેલ્થ માટે 6,000થી 10,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટીપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે. 5,000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે, જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટીવાળું એકવાટિસ સેન્ટર તૈયાર કરાશે. 50,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરાશે. દબાણ કરેલી જગ્યા ખાલી કરવા આસારામ આશ્રમને નોટિસ
રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. કુલ 15,778 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશે
સિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સર્વે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સર્વે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી, જેથી ગેરકાયદે કબજા અંગે જે-તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી છે. સદાશિવ પ્રજ્ઞામંડળને પણ 2,561 ચોરસમીટર જગ્યા ખાલી કરવા નોટિસ
આ જ રીતે આસારામ આશ્રમની નજીક આવેલા ભારતીય સેવા સમાજને પણ શરતભંગની નોટિસ ફટકારાઈ છે. જ્યારે સદાશિવ પ્રજ્ઞામંડળને પણ 2,561 ચોરસમીટર પર ગેરકાયદે દબાણ બદલ શરતભંગની નોટિસ અપાઈ છે. આમ, આ જગ્યા ખાલી કરાવીને એેનો ઉપયોગ પણ સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં કરાશે. 5.50 લાખ ચોરસ મીટર જગ્યાનો કબજો મેળવવામાં આવશે
સરકાર કોમનવેલ્થ માટે મોટેરા સ્ટેડિયમ પાસેની જગ્યા ઉપરાંત કોટેશ્વરની જગ્યાનો પણ ઉપયોગ કરશે એેમ સૂત્રોનું કહેવું છે. કોટેશ્વરમાં પણ મોટી સંખ્યામાં પડેલી જગ્યાઓ સરકાર હસ્તગત કરી શકે છે. સર્વે નંબર 282નું ક્ષેત્રફળ 7,79,686 ચોરસમીટર જેટલું છે, જે પૈકી ક્રિકેટ સ્ટેડિયમ 2 લાખ ચોરસ મીટરમાં બન્યું છે. એેને બાદ કરતા અંદાજે 5.50 લાખ ચોરસમીટર જગ્યા ખાલી કરાવવામાં આવશે. કોને નોટિસ અપાઈ સુઘડ-ભાટ ખાતે 136 એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશે
સ્પોર્ટ્સ એન્ક્લેવ પાસે સુઘડ-ભાટ ખાતે 136 એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશે, જેમાં ખેલાડીઓ, કોચ અને રમત અધિકારીઓ મા રહેણાક સહિત માળખાગત સુવિધાઓ હશે. અહીંથી એન્ક્લેવ સુધી પહોંચવા માટે માત્ર થોડી મિનિટોનો જ સમય લાગશે. આ ઓલ્મિપિક વિલેજમાં રમતવીરો અને સહાયક સ્ટાફ માટે આશરે 3,000 ઘરો હશે, જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કરાઈ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ
ગાંધીનગરના કરાઈમાં ગુજરાત પોલીસ એકેડેમી ખાતે 143 એકરમાં એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર પામશે. ₹1,200-1,500 કરોડના પ્રોજેક્ટના મૂળમાં એક અત્યાધુનિક એથ્લેટિક્સ સ્ટેડિયમ છે, જે 50,000થી 55,000 દર્શકોને સમાવી શકશે. ઇન્ડોર મલ્ટીયુઝ મેદાનમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશે
આ સાથે કરાઈમાં ઇન્ડોર મલ્ટીયુઝ મેદાન બનાવાશે, જેમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશે, જે વિવિધ ઇવેન્ટ્સનું સાક્ષી બનશે. 5,000થી 6,000 દર્શકોને બેસવા માટે બનાવેલા આ મેદાનમાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ્સ સહિત અન્ય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે, જે વિવિધ પ્રકારની રમતો અને મનોરંજન સુવિધાઓ પૂરી પાડશે, સાથે જ એક શૂટિંગ સેન્ટર પણ બનશે. જે ફ્રેશર્સની સાથે પ્રોફેશનલ શૂટર્સ બંનેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સજ્જ હશે. નારણપુરામાં ઈન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રેડી
નારણપુરા વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ભવ્યાતિભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઈન્ટરનેશનલ કક્ષાનું છે. તમામ પ્રકારની ઈન્ડોર ગેમ્સની વ્યવસ્થા અહીં છે. કેન્દ્ર સરકારની મદદથી અંદાજે 823 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 21 એકરથી વધુની જમીનમાં બનાવાયું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
આ કોમ્પ્લેકસમાં અત્યાધુનિક સુવિધા સાથે વિવિધ પ્રકારની ઈન્ટરનેશનલ રમતોનું આયોજન કરી શકાય એ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નારણપુરામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે અને એે અંદાજે 21 એકરથી વધુની જમીનમાં બનાવાયું છે. 6 ભાગમાં વહેંચાયેલું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ બનાવાયાં છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્કિંગ બનાવાયું છે. અહીં આવવા માટે લોકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે એ માટે અમદાવાદ શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે. હવે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના 6 ભાગ વિશે વિગતવાર સમજીએ… બ્લોક A : એક્વાટિક સ્ટેડિયમ
સ્પોર્ટસ કોમ્પ્લેક્સના બ્લોક-Aને એક્વાટિક સ્ટેડિયમ નામ અપાયું છે, જેની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે, જેમાં 1500 પ્રેક્ષકની બેસવાની વ્યવસ્થા કરાઈ છે. આ બ્લોકમાં વિશાળ કોમ્પિટિશન પૂલ-ડાઈવિંગ પૂલ બનાવાયો છે. આ સ્વિમિંગ પૂલ FINA નોર્મ્સ મુજબ બનાવાયો છે. FINA એ ફ્રેન્ચ શબ્દનું શોર્ટ ફોર્મ છે. એનું ફ્રેન્ચમાં આખું નામ છે – ફેડરેશન ઈન્ટરનેશનલ દે નાટાશન. સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલના નિયમો બનાવતી આ ઈન્ટરનેશનલ ગવર્નિંગ બોડી છે. એના નિયમ મુજબ અહીં સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે. જે મર્થા ટેક્નોલોજીથી સ્વિમિંગ પૂલ બનાવાયો છે એ શું છે?
સામાન્ય રીતે આપણે જોયું છે કે સ્વિમિંગ પૂલ બનાવવા માટે ખાડો ખોદવામાં આવે. બ્લૂ કલરની ટાઈલ્સ ફિટ કરવામાં આવે અને પછી પાણી ભરવામાં આવે, પણ મર્થા ટેક્નોલોજીમાં એવું નથી. એમાં પહેલા ખાડો ખોદવામાં આવે. પછી ટાઈલ્સ ફિટ કરવામાં આવે. પછી હાઈટવાળા સ્ટીલના ગર્ડર અને સ્ટીલની પ્લેટ મૂકવામાં આવે છે. આ ગર્ડર અને પ્લેટ PVC કોટેડ હોય છે. ગર્ડર મૂક્યા પછી એના પર ખાસ પ્રકારની પીવીસી કે રબર જેવા મટીરિયલની શીટ મૂકવામાં આવે. આ શીટ ઉપર પાણી ભરવામાં આવે, એટલે કોઈ સ્વિમર ડાઈ મારે કે ઝડપથી તરે તોપણ એને જમીનની ટાઈલ્સ વાગે નહીં. કોઈ પ્રકારની ઈજા થાય નહીં. મર્થા ટેકનોલોજી હોય તેવા પૂલમાં જ કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ગેમ્સ રમી શકાય છે. મર્થા પૂલ ટેક્નોલોજીમાં પૂલને કસ્ટમાઈઝ કરી શકાય છે, એટલે કે પૂલને એની કેપેસિટી મુજબ નાનો મોટો કરી શકાય છે. બ્લોક B : સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ
બીજા બ્લોક-Bને સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ નામ અપાયું છે. એમાં 42 બાય 24ના બે મોટા હોલ છે, જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલી બોલ કોર્ટ, અથવા 8 બેડમિન્ટન કોર્ટનો એક સમયે ઉપયોગ થઈ શકશે. આ સેન્ટરના મલ્ટીસ્પોર્ટ્સ હોલમાં 2 ટેકવાન્ડો કોર્ટ અથવા બે કબડ્ડી કોર્ટ, બે રેસલિંગ અથવા 12 ટેબલટેનિસની મેચ એક જ સમયે યોજી શકાશે. બ્લોક C : ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેના
ત્રીજો C બ્લોક સૌથી મોટો બ્લોક છે. આ ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ અરેનામાં 81 બાય 45ની સાઈઝના વિશાળ હોલમાં વિવિધ ઈન્ટરનેશનલ કક્ષાની ઓલિમ્પિક સહિતની ઈવેન્ટ કરવામાં આવશે, જેમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટબોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ આ સિવાય ટેબલ ટેનિસ, કબડ્ડી, કુસ્તી સહિતની મલ્ટીપર્પઝ હોલની સુવિધા કરવામાં આવી છે. એકસાથે 5200 પ્રેક્ષક બેસીને મેચ નિહાળી શકે એવી વ્યવસ્થા છે. બ્લોક D : કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર
આ કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર એક પ્રકારનું ક્લબ હાઉસ હશે, જે નાગરિકો માટે બનાવાયું છે. એમાં ક્લબની મેમ્બરશિપ લઈને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં અલગ અલગ રમતો રમી શકાશે. એની અંદર કાફેટેરિયા, લાઈબ્રેરી, જિમ-એરોબિક્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ અને સ્નૂકર અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપર્પઝ હોલ બનાવાયો છે. જેની ઓડિયન્સ કેપેસિટી 300 લોકોની છે તેમજ 6 સ્કવોશ કોર્ટ અને ઈન્ડોર શૂટિંગ રેન્જ માટેનું પણ આયોજન કરાય એવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાની જાહેરાત થવા આડે ગણતરીના કલાકો બાકી છે અને એેનું આયોજન આપણા અમદાવાદમાં થશે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટસની દુનિયામાં લંડન-પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. મોદી સ્ટેડિયમ અમદાવાદની વૈશ્વિક ઓળખ છે, પણ આ તો માત્ર ટ્રેલર છે. મોદી સ્ટેડિયમની આજુબાજુમાં એેના જેવાં જ નવાં 6 હાઈટેક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનવા જઈ રહ્યાં છે. 6 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટના કિનારે બની રહેલા સરદાર સ્પોર્ટ્સ એન્કલેવને જોતાં જ લોકો મોઢામાં આંગળા નાખી દેશે. આ સિવાય કરાઈ પોલીસ એકેડમીમાં 143 એકરમાં સ્પોર્ટ્સ હબ બનશે. ગુજરાતમાં 10 જગ્યાએ કોમનવેલ્થની વિવિધ ગેમ રમાશે. અમદાવાદ-ગાંધીનગર સિવાય સ્ટેચ્યૂટી ઓફ યુનિટીમાં પણ અમુક ગેમ રમાશે. ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ વેપાર, ધંધા, વૈભવની સાથે હવે ભારતની સ્પોર્ટસ કેપિટલ બનવા પણ તૈયાર છે. ભારતમાં ક્યાંય ના હોય એેવી સ્પોર્ટસ ફેસિલિટી સાથેના સ્પોર્ટસ એન્કલેવ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હવે અમદાવાદની નવી ઓળખ બનવા તૈયાર છે. વિકાસનો પર્યાય બનેલા સાબરમતીના કાંઠે હાઇફાઈ સ્પોર્ટસ સ્ટેડિયમ આકાર લઈ રહ્યાં છે. રાજ્યનું સૌથી મોટું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના હોય કે પછી વિશ્વકક્ષાનું એકવાટિસ સેન્ટર હોય. હાઇફાઇ ટેનિસ કોર્ટની સાથે સોકરનો શોર પણ તમને અહીં સાંભળવા મળશે. સાબરમતીના કિનારે ગરબા, યોગ, ઉત્સવ ને ઓપન બજાર પણ ખેલાડીઓને એક નવી એનર્જી આપશે.
