તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો પણ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે. જુલાઈ,2025માં બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ અને અન્ય એજન્સી દ્વારા અમદાવાદ શહેરના 69 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજનું પણ ઇન્સ્પેક્શન કરાયું હતું. બ્રિજ કન્સલ્ટન્ટના ઇન્સ્પેક્શન રિપોર્ટમાં શહેરના કેટલાક બ્રિજમાં ખામી હોવાનું અને તેમાં રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે. સુભાષ બ્રિજની ઘટના બાદ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ રિપોર્ટ જાહેર કર્યા હતા. શહેરમાં જે 69 બ્રિજનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું હતું અને તેમાંથી ગંભીર રીતે 4 ક્ષતિગ્રસ્ત બ્રિજની વિગતો સામે આવી હતી. સુભાષબ્રિજ બંધ થતાં શહેરના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિતલાલ મજૂમદારબ્રિજ કે જેની ઉપરથી હવે સૌથી વધારે વાહનોની અવરજવર વધી છે તે બ્રિજમાં પણ ખામી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિજને તોડીને નવો બનાવવાનો રિપોર્ટ હોવા છતાં તંત્ર જાણે કે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ સમારકામ કરતું નથી. વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલમાં વડાપ્રધાન મોદીએ જે ગુરુજી ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું તેનો રોડ બેસી ગયો છે અને તિરાડો જોવા મળી રહી છે. અધિકારીઓએ ઇન્સ્પેક્શન રિપોર્ટ છુપાવ્યો ને સત્તાધીશોએ માગ્યો નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ જુલાઈ મહિનામાં જે રિપોર્ટ આપ્યો હતો તે રિપોર્ટ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેર કરાયો નથી. જેથી બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ પણ આ ઇન્સ્પેક્શન રિપોર્ટ છુપાવ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. તો સામે પક્ષે ભાજપના સત્તાધીશોએ પણ બ્રિજના ચોમાસા પહેલાના રિપોર્ટ માગ્યા નથી. કોઈ પણ રિપોર્ટ કમિટી સમક્ષ મૂકાયો નથી: જયેશ પટેલ
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં આવેલા અલગ અલગ બ્રિજોના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને બે દિવસ પહેલા આપવામાં આવ્યા છે. ચોમાસા પહેલા જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જુલાઈ મહિનામાં તેના રિપોર્ટ જાહેર થયા છે તેની કોઈ માહિતી જે તે સમયે આપવામાં આવેલી નથી. માત્ર ઔપચારિક રીતે બ્રિજમાં નાના રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે એવું જણાવ્યું હતું, પરંતુ કોઈ પણ રિપોર્ટ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યો નથી. પરીક્ષિતલાલ બ્રિજના બધા સ્પાનના સોફિટ સ્લેબ-ગર્ડરમાં તિરાડો
બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ દ્વારા જુલાઈ મહિનામાં કરવામાં આવેલા બ્રિજ ઇન્સ્પેક્શનમાં વાડજના પરીક્ષિતલાલ મજૂમદાર બ્રિજ જે વર્ષ 1968માં બનાવવામાં આવેલો છે તેના સ્લેબમાં તિરાડ પડેલી જોવા મળી છે. બ્રિજની નીચેના ભાગે સ્લેબમાં તિરાડ પડેલી છે. દિવાલને પણ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બધા સ્પાનના સોફિટ સ્લેબ અને ગર્ડરમાં તિરાડો જોવા મળે છે. આખા બ્રિજને મજબૂત કરવાનો અથવા નવો બનાવવાનો રિપોર્ટ
તિરાડોને ઇપોક્સી મોર્ટાર/રેઝિનથી પ્રેશર ઇન્જેક્શન દ્વારા રિપેર કરવા માટે જણાવ્યું હતું.જે ચણતર કરવામાં આવ્યું છે તેમાં સાંધા બંને એબટમેન્ટ્સ પર ખુલ્લા છે અને પાંખની દિવાલ અને પ્લાસ્ટર ઉખડી ગયું છે, તેથી મજબૂત કરવું જરૂરી છે. આખા બ્રિજને મજબૂત કરવાનો અથવા તો તેને નવો બનાવવા માટેનો જ રિપોર્ટ બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના રીપેરીંગની કામગીરી આ બ્રિજમાં કરવામાં આવેલી નથી. બ્રિજને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની જરૂરિયાત
વાડજના પરીક્ષિતલાલ મજૂમદાર બ્રિજ ઉપર હવે સૌથી વધારે વાહનોનો લોડ રહેશે. કારણ કે સુભાષબ્રિજ બંધ થવાના કારણે આ રોડ ઉપરથી એએમટીએસ અને ગુજરાત એસટી બસ સહિતના મોટાભાગના વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બ્રિજના નીચેના ભાગે સળિયા દેખાય છે અને તિરાડો પણ પડેલી છે ત્યારે આ બ્રિજમાં મજબૂતાઈ કરવી જરૂરી બની છે. મોદીએ ઉદ્ઘાટન કર્યું તે બ્રિજનો એક સ્પાનનો ભાગ અંદર બેસી ગયો
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ગોરના કુવા પાસે વર્ષ 2009માં બનાવવામાં આવેલા ગુરુજી રેલવે ઓવરબ્રિજમાં પણ બ્રિજ ઇન્સ્પેક્શન દરમિયાન ખામી હોવાનું સામે આવ્યું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે 16 વર્ષમાં જ બ્રિજમાં મોટી ખામી જોવા મળી છે. આ બ્રિજમાં તિરાડો જોવા મળી છે. બ્રિજનો રોડ બેસી ગયેલો અને સળિયા પણ ઉખડી ગયેલા જોવા મળ્યા છે. બ્રિજના વચ્ચેના ભાગેથી નીચેનો ભાગ દેખાય છે. ગુરુજી રેલવે ઓવરબ્રિજમાં રીપેરીંગની જરૂરિયાત હોવા છતાં કરાયું નથી
ગુરુજી રેલવે ઓવરબ્રિજના બોક્સ ગર્ડરમાં નાની તિરાડો પડેલી સામે આવી છે. બ્રિજમાં મોટું નુકસાન અને તેને લાંબા સમય સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા અંગેનો બ્રિજ ઇન્સ્પેક્શનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે છતાં પણ આ બ્રિજમાં કોઈપણ પ્રકારની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલી નથી. આ બ્રિજમાં રીપેરીંગની જરૂરિયાત હોવા છતાં પણ હજી સુધી રીપેરીંગ કરવામાં આવ્યું નથી. સરદારબ્રિજમાં ગાબડા અને તિરાડો
મણિનગર વિસ્તારમાં આવેલા નાથાલાલ ઝઘડા ઓવરબ્રિજમાં પણ રીપેરીંગ કરવા અંગે ઇન્સ્પેક્શન રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે જેમાં પેડેસ્ટ્રીયન, રેલીંગ, ગર્ડર અને બેરિંગ રીપેરીંગ કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાબરમતી નદી પર આવેલા સરદારબ્રિજમાં પણ તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. બ્રિજમાં ગાબડા પડ્યા અને તિરાડો પડેલી હોવા છતાં તેને હજી સુધી રીપેરીંગ કરવામાં આવ્યો નથી. આ બ્રિજમાં ગર્ડરમાં પણ રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજમાં પણ બાજુની દીવાલમાં તિરાડ
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલો ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજમાં પણ બાજુની દીવાલમાં તિરાડ પડેલી જોવા મળી છે. દિવાલ ઉપરાંત ગર્ડરના સ્લેબ અને જાળાના ખોખા અંદરના ભાગે પણ નુકસાન થયેલું જોવા મળ્યું છે. કેટલીક જગ્યાએ વચ્ચેના ભાગે કાટમાળ પણ જોવા મળ્યો છે. શહેરના મહાત્મા ગાંધી ઓવરબ્રિજ અને સરદારબ્રિજ ઉપર પણ બેરિંગ બદલવાની જરૂરિયાત હોવા અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો હોવાથી બંને બ્રિજમાં રીપેરીંગ કામગીરી કરવામાં આવી છે. નહેરુબ્રિજના કેન્ટીલીવરમાં ખામી અને સબ સ્ટ્રક્ચર ઠીકઠાક
નહેરુબ્રિજના ઇન્સ્પેક્શન દરમિયાન રિપોર્ટમાં બ્રિજના કેન્ટીલીવરમાં ખામી હોવાનો અને બ્રિજનું સબ સ્ટ્રક્ચર ઠીકઠાક હોવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં સિલ્વર સ્ટારથી ચાણક્યપુરી તરફ જવાના અને ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજમાં પણ સરફેસ ખરાબ થઈ હોવાનું તેમજ વાહનો પસાર થતા હોવાના કારણે બ્રિજમાં ભારે અસર થઈ છે. આ પણ વાંચો: અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!