જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 કરોડથી વધુનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સંજય કોરડીયાની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના નવીનીકરણ અને આગામી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઓપરેશન થિયેટરોનું આધુનિકીકરણ
સિવિલ હોસ્પિટલમાં હાલ સારવારની ગુણવત્તા વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના કુલ 13 ઓપરેશન થિયેટરને અત્યાધુનિક બનાવવામાં આવશે. જેમાંથી 7 ઓપરેશન થિયેટરને રિનોવેટ કરવામાં આવશે, જ્યારે 6 નવા ઓપરેશન થિયેટરોનું નિર્માણ કરવામાં આવશે. આ હાઈ-ટેક ઓપરેશન થિયેટરથી માત્ર દર્દીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ મેડિકલ કોલેજના UG અને PG ના વિદ્યાર્થીઓ પણ આધુનિક ટેકનોલોજી સાથે ઓપરેશનનો અનુભવ મેળવી શકશે. આ કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. ત્રણ જિલ્લા માટે જૂનાગઢ બનશે મેડિકલ હબ
​ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાએ દવાઓ માટે રાજકોટ પર નિર્ભર રહેવું પડતું હતું. ઘણીવાર સમયસર દવાઓ ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હતી. હવે સરકારે જૂનાગઢ ખાતે જ આ ત્રણ જિલ્લાઓ માટે ‘રિજીયોનલ ડ્રગ ડેપો’ મંજૂર કર્યો છે. આ સાથે જ ફૂડ અને ડ્રગ્સની લેબોરેટરી પણ અહીં જ કાર્યરત થશે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે જૂનાગઢ હેડક્વાર્ટર તરીકે ઉભરી આવશે. ​ક્રિટિકલ કેર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સુવિધા
​ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 50 બેડની અલાયદી ‘ક્રિટિકલ કેર હોસ્પિટલ’નું નિર્માણ થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે જૂનાગઢ મેડિકલ કોલેજમાં પીજી (Post Graduation) કોર્સ શરૂ થવાથી હવે સિવિલ હોસ્પિટલમાં એમડી (MD) કક્ષાના નિષ્ણાત ડોક્ટરો ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. આ સુવિધાને કારણે હૃદયરોગ, અકસ્માત કે અન્ય ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીઓને રાજકોટ કે અમદાવાદ રિફર કરવાની જરૂરિયાત નહિવત થઈ જશે. ​નર્સિંગ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સ
​હોસ્પિટલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. 250થી વધુ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ રહી શકે તે માટે આધુનિક નર્સિંગ હોસ્ટેલ અને બિલ્ડીંગની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે, જેની વહીવટી મંજૂરી પણ મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવશે. ​ગરીબ દર્દીઓને મળશે ‘વર્લ્ડ ક્લાસ’ મફત સારવાર
​ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે જે સારવાર એક ઉદ્યોગપતિ કે અમીર વ્યક્તિ લઈ શકે, તેવી જ શ્રેષ્ઠ સારવાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિને મફતમાં મળે. આ સૂત્રને સાર્થક કરવા જૂનાગઢ સિવિલમાં તમામ સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. જૂનાગઢ હવે માત્ર આસપાસના જિલ્લાઓ માટે જ નહીં પણ ‘મિની સૌરાષ્ટ્ર’ના કેન્દ્ર તરીકે શ્રેષ્ઠ સારવાર આપવા સજ્જ છે. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ, મેડિકલ કોલેજના ડીન અને વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં આ તમામ પ્રોજેક્ટ્સ લોકાર્પિત થતા જૂનાગઢની આરોગ્ય સેવામાં ક્રાંતિકારી ફેરફાર જોવા મળશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!