– મહોત્સવના સફળ આયોજન બદલ કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિ સહિત તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો

– ભવિષ્યમાં ક્ષતિઓ દૂર કરીને વધુ સુચારૂ આયોજન માટે સાંસદશ્રીએ કરી આગોતરી તૈયારીની સૂચના
– બહોળા પ્રચાર-પ્રસાર માટે જિલ્લા માહિતી કચેરીની ટીમને વિશેષ અભિનંદન.
મહેસાણા જિલ્લામાં તાજેતરમાં સફળતાપૂર્વક આયોજિત થયેલા સાંસદ ખેલ મહોત્સવના ભવ્ય આયોજન અને વિક્રમી સફળતા બદલ સાંસદ શ્રી હરિભાઈ પટેલે જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે તમામ જિલ્લા અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સાંસદશ્રીએ આયોજનના આંકડાકીય વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ વખતના ખેલ મહોત્સવમાં 1 લાખ 35 હજાર જેટલા રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાંથી લગભગ 75 હજાર જેટલા ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના અંતે 764 જેટલા ખેલાડીઓએ મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું, જે સમગ્ર ટીમવર્ક અને યુવાનોની ઉત્સાહની પરાકાષ્ઠા દર્શાવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ‘ખેલો ઇન્ડિયા, જીતો ઇન્ડિયા’ ના સુત્ર સાથે રમતવીરોનું કૌશલ્ય બહાર લાવવાના પ્રયાસો સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. સાંસદશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આવા કાર્યક્રમોના માધ્યમથી ગ્રામીણ યુવાનો આજે રમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ મેળવી રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી ગ્રામીણ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે તેમજ રમતગમતના માધ્યમથી યુવાનોમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શક્તિ તેમજ આત્મિક ઉન્નતિ પણ વિકસશે.
સાંસદશ્રીએ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિક જિલ્લા કલેકટરશ્રી, મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, એન. આઈ. સી અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, માહિતી નિયામકશ્રી, જિલ્લા વ્યાયામ મંડળ, ખોડિયાર એડ્યુકેશન ટ્રસ્ટ, સદભાવ ફાઉન્ડેશન, સાંસદ ખેલ મહોત્સવના સૌ કન્વીનરશ્રીઓ, તેમજ સાંસદ ખેલ મહોત્સવને સફળ બનાવવામાં સૌ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ ઉપરાંત તેમણે સાંસદ ખેલ મહોત્સવના બહોળા પ્રચાર પ્રસાર દ્વારા લોકો સુધી ખેલ મહોત્સવની જાણકારી પહોંચાડવા તેમજ ઉત્તમ મીડિયા કવરેજ માટે જિલ્લા માહિતી કચેરીની ટીમને પણ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
