પાટીદાર, ઠાકોર સમાજ સહિતના અલગ અલગ સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ‘ભાગેડુ લગ્ન’ ચર્ચાનો વિષય બન્યો છે. માતાપિતાની સહમતી વગર થતા લગ્નને સમાજમાં રીતસરના બે ફાંટા જોવા મળી રહ્યા છે. લગ્ન સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની એક વર્ગ માગણી કરી રહ્યો છે. લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, સુરતની આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલ નામના યુવક સાથે કરેલા મૈત્રી કરાર અને ભાવનગરની પ્રિયા મોરડિયાએ કરેલા લવમેરેજને લઈ માતાપિતાની સહમતીનો મુદ્દો ફર એકવાર ચર્ચામાં આવ્યો છે. વિવિધ સમાજની માગણીઓ બાદ સરકાર દ્વારા પણ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની વિચારણા હાથ ધરી છે. જો કે, સરકાર દ્વારા જે ફેરફાર કરવાનું વિચારાઈ રહ્યું છે તે બંધારણીય રીતે કેટલા ટકી શકે, પુખ્તવયના યુવક-યુવતીઓને લગ્ન માટે કેવા બંધારણીય અધિકાર મળ્યા છે? આ તમામ સવાલોનો જવાબ મેળવા ભાસ્કરે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકટિસ કરતા સિનિયર એડવોકેટ સાથે વાતચીત કરી હતી. વિધાનસભા કાયદો પસાર કરી શકે, પરંતુ તે બંધારણ વિરુદ્ધ હોય શકે નહીં- અયાઝ શેખ
એડવોકેટ અયાઝ શેખે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુખ્ત વયની વ્યક્તિ બંધારણીય હક અનુસાર કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. વિધાનસભા લગ્ન નોંધણીને લઈને કાયદો પસાર કરી શકે છે, પરંતુ તે બંધારણ વિરુદ્ધ હોઈ શકે નહીં. અત્યારે પણ સ્પેશિયલ મેરેજ એક્ટમાં માતા પિતાને બોલાવી તેમના નિવેદન લેવામાં આવે છે પરંતુ યુવતીનું નિવેદન આખરી ગણાય છે. ક્લાસ- 2 ઓફિસરને માતા-પિતાને જ્યાં સુધી નોટિસ આપીને તેમના જવાબ લેવાની વાત છે તે યોગ્ય છે. કારણ કે તેનાથી બાળકો ખોટા રસ્તે જશે નહીં, પરંતુ, પુખ્તવયનો નાગરિક ગમે તે સાથે લગ્ન કરી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 7 થી 13 સુધી જુદી જુદી જોગવાઈઓ અંતર્ગત લગ્ન નોંધણીની જોગવાઈ છે. જેમાં લગ્ન નોંધણી માટે આવતા યુવક યુવતીઓની ખાસ કરીને ઉંમરની ચકાસણી કરવામાં આવે છે. જેમાં જન્મનો દાખલો ખાસ ચકાસવામાં આવે છે. સાક્ષીઓની સહી લેવામાં આવે છે. લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકારને છે. સાથે કેન્દ્ર સરકારને પણ છે, પરંતુ બંધારણીય હક ઉપર તેઓ તરાપ મારી શકે નહીં. પુખ્તવયના લોકોનો હક સરકાર છીનવી શકે નહીં- અનિલ કેલ્લા
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદાર અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણે પુખ્ત વયના લોકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. 18 વર્ષથી ઉપરની યુવતી અને 21 વર્ષ થી ઉપરના યુવકને લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે. તેઓ સ્વેચ્છાએ અને પસંદગીથી લગ્ન કરી શકે છે તેમાં માતા-પિતાની મંજૂરીની જરૂર નથી. રાજ્ય સરકાર જે નિયમ બનાવવાનું વિચારી રહી છે, તે કાયદાથી વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ બંધારણ વિરુદ્ધ આવા કાયદા અને નિયમોને રદ કર્યા છે. પુખ્ત વયના લોકોનો હક સરકાર છીનવી શકે નહીં. પ્રેમ લગ્નમાં મા-બાપની ઈચ્છા જાણવી લગભગ અશક્ય છે. લગ્ન નોંધણી પ્રક્રિયાની નિયમોમાં ફેરફાર રાજ્ય સરકાર કરી શકે છે, પરંતુ તે ફેરફારો બંધારણને આધીન હોવા જોઈએ તેનાથી ઉપર નહીં. માતાપિતાની સહમતીની જગ્યાએ ફક્ત જાણકારી રાખવી જોઈએ- અલકા જાની
ફેમિલી કેસ લડતા મહિલા વકીલ અલકા જાનીએ જણાવ્યું હતું કે માતા પિતાની ઇનડાયરેક્ટ પરવાનગી લેવાનો આ પ્રસ્તાવિત નિયમ ઉમદા વિચાર છે. પ્રેમલગ્નથી લગ્ન પ્રથા નિષ્ફળ બની રહી છે. માતા-પિતાની જો સહમતી ન મળે તો બાળકો વિદ્રોહ કરી શકે છે. તેથી સહમતીની જગ્યાએ ફક્ત જાણકારી રાખવી જોઈએ. જો માતા પિતા સહમતી ન આપે અને લગ્ન નોંધણી ન થાય તો લિવ ઇન રિલેશનશિપમાં મોટો ઉછાળો આવશે. ભારતમાં લગ્ન કોન્ટ્રાક્ટ નહીં, પરંતુ સંસ્કાર છે. રાજ્ય સરકાર લગ્ન નોંધણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકે છે. તેના માટે વિધાનસભામાં ખરડો પસાર કરવો પડે. ક્લાસ- 2 અધિકારી લગ્ન કરનાર યુવક યુવતીના માતા પિતાને નોટિસ આપીને લગ્નની જાણકારી આપી શકે. પરંતુ તેમની મંજૂરી વધારે પડતું છે. 21 વર્ષનો યુવક અને 18 વર્ષ કે તેથી ઉપરની યુવતી ગમે તે સાથે લગ્ન કરીને તેની નોંધણી કરાવી શકે છે પરંતુ સાંસ્કૃતિક રીતે લગ્ન થવા જરૂરી છે. લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા સરકારની વિચારણા
રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા હાથ ધરી છે. નવા પ્રસ્તાવ મુજબ ભાગેડુ લગ્નના કિસ્સામાં લગ્ન નોંધણી સમયે ક્લાસ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત થઈ શકે છે. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત કરવામાં આવી શકે છે. આ સમાચાર પણ વાંચો: લવ મેરેજ માટે માતા-પિતાની સંમતિ જરૂરી?, અમદાવાદીઓ સામ-સામે આવ્યા રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે. જેમાં આંતર જ્ઞાતિય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ વિવિધ સમાજો સરકાર સમક્ષ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે. આ અતિ ચર્ચિત મુદ્દાને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો. 13 જેટલા યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના યુવાઓએ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીને ફરજિયાત કરવાની વિચારણા સાથે સહમતિ દર્શાવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) પ્રેમલગ્ન બાબતે શું કહી રહ્યા છે ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રીઓ? વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડિયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે.છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર સહિતના સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રેમલગ્નના કિસ્સામાં માતાપિતાની સહમતી લેવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. સમાજમાં શા માટે લવમેરેજનો વિરોધ થઈ રહ્યો છે અને એનો ઉકેલ શું હોઈ શકે? આ બાબતે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશી અને ગૌરાંગ જાની સાથે વાતચીત કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાની સરકારને રજૂઆત:સંતાનોના લગ્ન માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની માગ પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાએ સંતાનોના લગ્ન પહેલા માતા-પિતા અથવા વાલીની લેખિત સંમતિ ફરજિયાત બનાવવાની માગ સાથે હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારા કરવા બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. વલ્લભ કાકડિયા લાંબા સમયથી સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આગેવાન તરીકે ઓળખાય છે અને પરિવાર તથા સમાજને અસર કરતી સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોરતા રહ્યા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) પ્રેમલગ્ન-મૈત્રી કરારના કાયદામાં ફેરફારની માગ:વિજાપુરમાં ‘પાસ’ની ટીમે 50થી દીકરીઓને માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી ગુજરાતમાં પ્રેમલગ્ન અને મૈત્રી કરારના કાયદામાં ફેરફાર કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માગ વધુ ઉગ્ર બની છે. સમગ્ર રાજ્યમાં રેલીઓનું આયોજન કર્યા બાદ, હવે જૂની પાસ (PAAS)ની ટીમ દ્વારા ગામડે-ગામડે જઈને દીકરીઓને શપથ લેવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ માતા-પિતાની મરજી મુજબ જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેશે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!