રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી આજે બપોરે 12 સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટા ભાગના આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફેલાયો છે. જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, સલામતીને લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સિસ્મોલોજી વિભાગે જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સ્થાનિક લોકોને આ આંચકાઓએ 2001ની યાદ અપાવી દીધી છે. 6 કલાકમાં ભૂકંપના 11 આંચકા
ગઇકાલે સાંજે 8 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં 11 આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઇ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જ્યારે તીવ્રતા 2.6 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે. લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો
વહેલી સવારથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો. 2001ના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે. ધોરાજી-જેતપુરની તામ શાળાઓમાં રજા જાહેર
સતત ભૂકંપના આંચકાથી ધોરાજી અને જેતપુરની તમામ રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઇને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો નિર્ણય લઇને વિદ્યાર્થીઓને પરત મોકલવા શાળાના આચર્યોને જાણ કરી હતી. આચાર્યએ જાતે નિર્ણય લઇ લેવો: જિલ્લા શિક્ષણ અધિકારી
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે, ગઇકાલ સાંજથી ધોરાજી અને જેતપુરમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. માહિતી મળી રહી છે કે ઉપલેટા અને ગોંડલમાં પણ અસર થઇ છે. જેને લઇને અહીંથી સૂચના આપવામાં આવી છે કે સ્થાનિકકક્ષાએ મામલતદાર અને શાળાના આચાર્યએ નિર્ણય લઇને જ્યાં જણાય ત્યા વિદ્યાર્થીઓને રજા આપી દેવી અને શિક્ષકોને શાળામાં હાજર રહેવું. ‘ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગમાં હવેથી વિદ્યાર્થીઓને ન બેસાડવા’
અત્યારે ધોરાજી અને જેતપુર બંને તાલુકાની તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કોઇ બિલ્ડિંગને ક્ષતિ થઇ હોય એમાં હવેથી વિદ્યાર્થીઓને ન બેસાડવામાં સૂચના આપવામાં આવી છે. જેનો અમે પાછળથી સર્વે કરાવીશું. ધોરાજી તાલુકાની 48 શાળાઓ અને જેતપુર તાલુકાની 70 શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. અમે શાળાના આચાર્યોને જ સૂચના આપી છે કે તમને એવું લાગે તો તમે વિદ્યાર્થીઓને રજા આપી દેજો. લોકોને ખોટી અફવામાં આવવું નહીં: મામલતદાર
આ અંગે જેતપુર મામલતદાર એ.ડી.બાખલકીયાએ જણાવ્યું કે, અમે ટીડીઓ, ચીફ ઓફિસર અને શિક્ષણ વિભાગની મિટિંગ રાખી છે અને અમે એક કન્ટ્રોલરુમ ચાલુ કર્યો છે. લોકોને ખોટી અફવામાં આવવું નહીં અને એવું લાગે તો તમારે સુરક્ષિત જગ્યાએ જતા રહેવું અને અમારા કન્ટ્રોલરુમના મોબાઈલ નંબર 9429916996 પર સંપર્ક કરવો. શાળાઓમાં બાળકોને રજા આપવામાં આવી છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોને હાજર રહેવા માટે સૂચના આપી છે. ‘પાણીના લેવલમાં ચેન્જ આવ્યો હોવાથી આંચકા અનુભવાયા’
સિસ્મોલોજી વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ગઇકાલે રાતથી અત્યાર સુધી નાનામોટા 21 આંચકા નોંધાયા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે પાણીના લેવલમાં ચેન્જ આવ્યો હોવાથી પ્રેશર નીચે જતાં પુશ મળતાં આ આંચકા નોંધાયા હોઇ શકે છે. આ નુકસાન કારક આંચકા નથી, લોકોને ડરવાની જરૂર નથી પરંતુ લોકોને સાવચેત રહેવું જરૂરી છે. ‘વહેલી સવારે ભારે પ્રમાણ આંચકો અનુભવાયો’
જેતપુરના લુણાગરી ગામના મધુબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વહેલી સવારે ભારે પ્રમાણ આંચકો અનુભવાયો હતો. સવારે હું બ્રશ કરીને પગથિયા ચડતી હતી, ત્યારે આ એકદમ ઝણઝણાટી આવી હતી. વર્ષ 2001માં ભૂકંપ આવ્યો એ દિવસે જ મારા લગ્ન હતા તો મને એ યાદ તાજી થઇ ગઇ. અમે આંગણવાડીના બાળકોને પણ નાસ્તો આપીને ઘરે મોકલી દીધા હતા. ‘લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા’
જેતપુરના સ્થાનિક વિમલભાઈએ જણાવ્યું કે, ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં આઠથી નવ જેટલા ભૂકંપના આંચકા આવી ગયા છે. જેથી જેતપુર શહેર અને આજુબાજુના ગામડાના લોકોમાં ડરનો માહોલ છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા છે. વાસણો ખખડવાનો અવાજ સંભળાયો
અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે, ગઇકાલે રાત્રે અને આજે વહેલી સવારથી ઉપરાઉપરી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મકાનોની બારીઓ અને વાસણો ખખડવાનો અવાજ પણ સંભળાયો હતો. જાનહાનિના કોઈ સમાચાર નહીં
સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોને પોતાના વિસ્તારમાં તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બે મહિના અગાઉ પણ આંચકો અનુભવાયો હતો
આ અગાઉ 24 ઓક્ટોમ્બર 2025ના રોજ પણ રાજકોટ જિલ્લાના વિરપુર અને જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ શહેરથી લગભગ 24 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં એક ખેતરમાં નોંધાયું હતું.. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા
24 ઓક્ટોમ્બરના રોજ બપોરે 12 વાગ્યેને 37 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ખૂબ જ હળવો હતો અને માત્ર એકથી બે સેકન્ડ પૂરતો જ ચાલ્યો હતો. જોકે, ભૂકંપનો અહેસાસ થતાં જ લોકોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર, દુકાન કે ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. આવો હવે જોઇએ ભૂકંપ કેવી રીતે આવે છે અને ભૂકંપ આવે તો શું કરવું..? ભૂકંપ કેવી રીતે આવે છે?
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ અંદરોઅંદર અથડાય છે ત્યારે ત્યાં ફોલ્ટલાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેને કારણે ધરતી ધ્રૂજે છે અને આપણે એને ભૂકંપ માનીએ છીએ. ભૂકંપની તીવ્રતા કેટલી હોય છે?
રિક્ટર સ્કેલ પર 2.0થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એવી જ રીતે, 2.0થી 2.9ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપ દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0થી 3.9ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. એ અનુભવાય છે, પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઈટ કેટેગરીના ધરતીકંપ 4.0થી 4.9 તીવ્રતાના હોય છે, જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને એને કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જોકે તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!