પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતાના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડાં કરતો એક બોગસ ડોક્ટર એસ.ઓ.જી. પાટણની ટીમના હાથે ઝડપાયો છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાથી, પાટણ દ્વારા જિલ્લામાં નકલી ડોક્ટરો સામે કાયદેસર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અમલરૂપે એસ.ઓ.જી. પો.ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણની ટીમ શંખેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
આ દરમિયાન બાતમી મળી હતી કે શંખેશ્વર તાલુકાના પાડલા ગામે નાકાશેરી વિસ્તારમાં આવેલી કાચવાળી દુકાનમાં નઝીરભાઈ કાલુમિયાં મલેક (ઉંમર ૪૫) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આરોપી દ્વારા બીમાર લોકોને તપાસી દવાઓ તથા ઇન્જેક્શનો આપી તેમના આરોગ્ય સાથે જોખમ ઊભું કરવામાં આવી રહ્યું હતું.
બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી ઇન્જેક્શનો, વિવિધ દવાઓ તથા મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩,૨૬૯.૦૫/- કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
આ બાબતે આરોપી સામે બી.એન.એસ. ૨૦૨૩ની કલમ ૩૧૯(૨) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે અને આગળની તપાસ શંખેશ્વર પોલીસ ચલાવી રહી છે.
પકડાયેલ આરોપી:
નઝીરભાઈ કાલુમિયાં મલેક, રહે. પાડલા, તા. શંખેશ્વર, જી. પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલ:
ઇન્જેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો – કુલ કિંમત રૂ. ૩,૨૬૯.૦૫/-
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
