રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા રેમસિંહ ડુડવાએ ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંહ તેરસિંહ ડુડવા (ઉં.વ.30) સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના 43મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. દરેક વખતે આરોપીને બાળકીએ ઓળખી બતાવ્યોઃ વિજયસિંહ
આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, મેડિકલ તેમજ ટેક્નિકલ અને સાંયોગિક મળી તમામ પુરાવાઓ ઉપરાંત કોર્ટ સમક્ષ બાળકીએ જ્યારે આરોપીને ઓળખી બતાવ્યો ત્યારે ASP સિમરન ભારદ્વાજ અને અન્ય અધિકારીઓએ આરોપી ઉપરાંત અન્ય લોકોને હાથમાં જુદા-જુદા રમકડાં આપ્યા હતાં. દરેક વખત અલગ-અલગ રમકડાં અલગ વ્યક્તિને અપાયા, પરંતુ દરેક વખતે આરોપીને કોર્ટ સામે બાળકીએ ઓળખી બતાવ્યો હતો. આરોપીના વાળ ખેંચી નાખ્યા, એ સાબિતી છે કે બાળકીને કેટલી પીડા થઇ હશેઃ વોરા
રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ જણાવ્યું હતું કે, આરોપી એટલી હદે જધન્ય કૃત્ય કર્યું છે કે જ્યારે બાળકીના ગુપ્ત ભાગે લોખંડનો સળીયો ઘૂસાડ્યો ત્યારે બાળકી એટલી બૂમો પડતી હતી અને આરોપીના વાળ ખેંચીને તોડી નાખ્યા, એ સાબિતી આપે છે કે બાળકીને કેટલી પીડા થઇ હશે. કારણ કે, પુખ્ત વયના પુરુષના વાળ બાળકીએ ખેંચીને ફેંકી દીધા એ તેની પીડાનું ઉદાહરણ છે. આરોપીને કોઈ જ પ્રકારનો અફસોસ રહ્યો નથી. તેના પરિવારના લોકો પણ તેને છોડીને જતા રહ્યા છે. કોર્ટ રૂમમાં જજ સાહેબ દ્વારા પણ તેને પૂછવામાં આવ્યું હતું છતાં કોઈ અફસોસ વગર માત્રને માત્ર પોતે નિર્દોષ હોવાનું જ રટણ કરતો રહ્યો હતો. ફાંસીની સજા આજે (17 જાન્યુઆરી ને શનિવાર) સંભળાવવામાં આવી છે. આગળ હવે આરોપી હાઇકોર્ટમાં જઈ શકે છે, પછી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે સજા માફીની માગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્લીના નિર્ભયા કેસમાં ચાર આરોપીને ફાંસીની સજા કોર્ટે સંભળાવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટ પણ સજા યથાવત્ રાખી હતી અને પછી આરોપીઓએ રાષ્ટ્રપતિ સમક્ષ પણ સજા માફી માટે માગ કરી હતી. જો કે મનાઈ ફરમાવતા 2022માં ત્રણ આરોપીને ફાંસી આપવા આવી હતી, જ્યારે એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. શું છે સમગ્ર ઘટનાક્રમ?
4 ડિસેમ્બરના રોજ આટકોટ તાલુકાના કાનપર ગામે બપોરના 12 વાગ્યે ભોગ બનનારી બાળકી પોતાનાં ભાઈ-બહેનો સાથે રમતી હતી, ત્યારે આરોપી રેમસિંહ તેરસિંહ ડુડવા મોટરસાઈકલ ઉપર આવ્યો અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેના ગુપ્ત ભાગમાં 5 ઈંચનો લોખંડનો સળિયો નાખી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી, ત્યારે આરોપી રેમસિંહ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. બાળકીને પહેલા જસદણ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાઈ હતી
બાળકીની ગંભીર હાલત અને સખત રકતસ્ત્રાત જોતાં મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્કાલિક બોલાવી કાનપર ગામના સાર્વજનિક દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી યોગ્ય સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બાદમાં ત્યાંથી રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે રાત્રિના 9 વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમય દરમિયાન અતિશય રકતસ્ત્રાવ થવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ? એ માટે રેડયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતાં બચી ગઈ હતી. માથાના વાળ આરોપીના અને સળિયા પર બાળકીનું લોહી હોવાનું સામે આવ્યું
આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરી, પરંતુ આરોપીને કોઈએ જોયો ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. 8 ડિસેમ્બરના રોજ આરોપી રેમસિંહને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળિયો કાઢી આપ્યો, જે રક્તથી રંગીત હતો. આ ઉપરાંત બનાવસ્થળે એફ.એસ.એલ. અધિકારીને પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળ્યો હતો. આ તમામ મુદ્દામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતાં માથાના વાળ આરોપીના હોવાનું ડી.એન.એ. પરીક્ષણમાં સામે આવ્યું હતું તેમજ લોખંડના સળિયા ઉપરનું લોહી બાળકીનું હોવાનું સામે આવ્યું હતું. બાળકીના પિતાએ કોર્ટમાં વિસ્તૃત પત્ર લખી કેસ ચલાવવા કહ્યું હતું
તપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતાં આરોપીની હાજરી કાનપર ગામના વિસ્તારમાં મળી હતી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ તપાસનીશ અધિકારીએ ફકત 11 જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરી દીધું હતું. આ સમય દરમિયાન બાળકીના પિતાએ કોર્ટમાં એક વિસ્તૃત પત્ર લખી તેની બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલિક કેસ ચલાવી સખત સજા આપવા રજૂઆત કરી હતી. પરિસ્થિતિ કરુણતા અને બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે આ કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી 6 દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કરી અને 10મા દિવસે આખરી ચુકાદો આપી દીધો છે. આરોપીના વકીલે બચાવ કર્યો કે વાળ મૂળ સહિત નહોતા
આરોપી તરફથી બચાવ લેવામાં આવ્યો હતો કે બનાવ સ્થળેથી જે વાળ મળ્યા હતા એ વાળ મૂળ સહિત ન હતા અને કપાયેલા હતા. જવાબમાં સરકાર તરફ જણાવવામાં આવ્યું કે મૂળ સહિતના વાળ એક ચોકસ પ્રક્રિયાથી જ કાઢી શકાય. બનાવ સમયે બાળકીને થતી અનહદ પીડા વખતે આરોપીના વાળ ખેંચવામાં આવેલા હોય ત્યારે કપાયેલી પરિસ્થિતિમાં જ મળી શકે. કાનપરના એક ડોક્ટરની નોંધના કારણે આરોપીને કેસ નબળો થયો
આરોપી તરફથી બીજો બચાવ લેવામાં આવ્યો હતો કે કાનપર ગામે સરકારી ડોકટરે ગુપ્ત ભાગેથી નીકળતું લોહી બંધ થઈ ગયું હોવાનું જણાવ્યું છે, પરંતુ ત્યાર બાદના મેડિકલ પેપર્સમાં રકતસ્ત્રાવ થતો હોવાનું જણાવ્યું છે, જેનાથી જણાય છે કે ભોગ બનનારને થતો રકતસ્ત્રાવ થોડા સમયમાં જ બંધ થઈ ગયો હતો, તેથી ભોગ બનનારને ગંભીર ઈજા થઇ નથી. જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે અતિશય ગંભીર ઈજાઓના કારણે કાનપરથી જસદણ હોસ્પિટલ અને જસદણ હોસ્પિટલથી રાજકોટ જનાના હોસ્પિટલ માટે લાવવામાં આવતી વખતે ફરીથી ભોગ બનનારને રકતસ્ત્રાવ ચાલુ થઈ શકે. આ કારણે કાનપરના એક ડોકટરની મામૂલી નોંધના કારણે પ્રોસિક્યુશનનો કેસ નબળો થતો નથી. આરોપીના વકીલે વધુ એક બચાવ કર્યો
આરોપી તરફથી ત્રીજો બચાવ લેવામાં આવ્યો કે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યાં સુધી આરોપીને ભોગ બનનારી બાળકી કે અન્ય કોઈએ ઓળખી બતાવી ન હતી. આ આરોપીને ફક્ત શંકાના આધારે પકડેલો હતો. જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ ફોજદારી ગુનામાં આરોપીને શંકાના આધારે જ પકડવામાં આવતો હોય છે. પ્રોસિક્યુશન માટે જરૂરી એ છે કે પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યારે તપાસનીશ અધિકારી પૂરતા પુરાવા મેળવી શકે છે કે કેમ? આ કેસમાં તપાસનીશ અધિકારીની આરોપી પરની શંકા સંપૂર્ણ વાજબી ઠેરવવા માટે મેડિકલ, મૌખિક અને ઈલેકટ્રોનિક ત્રણેય પ્રકારના પુરાવા મળ્યા છે. ભોગ બનનારી બાળકી અને બાળ સાહેદ બંનેએ આટલી નાની ઉંમર હોવા છતાં પણ આરોપી અને લોખંડનો સળિયો સાંકેતિક રીતે ઓળખી આપ્યો છે. આરોપીને વકીલે કોર્ટમાં પાંચ બચાવ કર્યા હતા
આરોપી તરફતી ચોથો બચાવ લેવામાં આવ્યો કે ઓળખ પરેડ વખતે આરોપી જેવો સમાન દેખાવ ધરાવતી 7 વ્યક્તિ ખરેખર સમાનતા ધરાવે છે કે કેમ? એ અંગે વિસંગગતા છે. જવાબમાં સરકાર તરફતી જણાવવામાં આવ્યું હતું કે પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ જેટલી હદે શકય હોય એટલી હદે સમાન દેખાવ ધરાવતી વ્યક્તિઓને લાવવાની હોય છે, પરંતુ આ અર્થે આખા શહેરમાં તપાસ કરી સમાન દેખાવની વ્યકિતઓને ગોતી લાવવા જરૂરી નથી. આ બંને ઓળખ પરેડ કોર્ટમાં વલ્નરેબલ સેન્ટરમાં થઇ છે, જેથી કોર્ટમાં શક્ય હોય એટલા સમાન દેખાવવાળી વ્યક્તિઓને લાવવાનો પ્રયાસ થયો છે. આરોપી તરફતી પાંચમો બચાવ લેવામાં આવ્યો કે આરોપી વિરુદ્ધ પક્ષપાતી રીતે તપાસ કરી ખોટું ચાર્જશીટ કરવામાં આવ્યું છે. જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ ગુનામાં આરોપી તરફથી કાનપર ગામમાં હાજર નહીં હોવાનો એકમાત્ર બચાવ હોઈ શકે. રિલાયન્સ જિયોના સી.ડી.આર. રિપોર્ટમાં મોબાઈલ ફોનનું લોકેશન બનાવવાળા વિસ્તારનું જ જણાયું છે. આરોપી પાસેથી કબજે થયેલા મોબાઈલનું આ સિમકાર્ડ આરોપીનુ હોવાનો કોઈ ઈનકાર નથી. આ સંજોગોમાં બનાવ સમયે આરોપી આ વિસ્તારમાં શું કરતો હતો અને ક્યાં હતો એ અંગે ઊલટતપાસમાં કે ફર્ધર સ્ટેટમેન્ટમાં કોઈ ચોખવટ નથી. બળાત્કાર જેવા કિસ્સામાં આરોપી તરફથી ફક્ત ‘એલીબી’નો જ બચાવ માન્ય છે. આ માટે સમગ્ર બર્ડન આરોપી પર છે. આવું કોઈ બર્ડન આરોપીએ ડિસ્ચાર્જ કરેલું નથી, તેથી પ્રોસિક્યુશનનો આરોપી વિરુદ્ધનો કેસ પુરવાર થાય છે. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંત પટેલ રોકાયેલા હતા. આ સમાચાર પણ વાંચો પોલીસના ફાયરિંગથી ફફડી ઊઠ્યો આટકોટ દુષ્કર્મનો આરોપી
મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું ક્યારેય ગુજરાતમાં આવીશ નહીં. આ શબ્દો કણસતા અવાજે આટકોટ દુષ્કર્મનો આરોપી રેમસિંહ બોલી રહ્યો હતો. પોલીસના ફાયરિંગથી ફફડી ઊઠ્યો છે આટકોટ દુષ્કર્મનો આરોપી. તપાસ દરમિયાન પોલીસ જ્યારે આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ ગઈ એ દરમિયાન આરોપી રેમસિંહે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી. આ દરમિયાન રેમસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને પગમાં ગોળી વાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર અગાઉ 13 માર્ચ, 2023એ આરોપીને ફાંસીની સજા મળી હતી, જે સૌરાષ્ટ્રનો પ્રથમ ચુકાદો હતો રાજકોટ જિલ્લાના જેતલસરની સગીરા સૃષ્ટિ રૈયાણીના હત્યાકેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપી જયેશ ગિરધર સરવૈયાને 13 માર્ચ, 2023ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. આરોપી જયેશ સરવૈયાને તકસીરવાન ઠેરવી કોર્ટે બન્ને પક્ષને સાંભળવા માટે 10 માર્ચ, 2023ની મુદ્દત આપી હતી. એ પછી 13 માર્ચની સાંજે 5.45 વાગ્યા બાદ અંતિમ સુનાવણી થઈ હતી. આ સમયે આરોપી જયેશની ઉંમર 25 વર્ષ હતી અને સૌથી નાની ઉંમરે ફાંસીની સજા થયાનો સૌરાષ્ટ્રનો આ પ્રથમ ચુકાદો હતો. એકતરફી પ્રેમમાં પાગલ જયેશે છરીના 36 ઘા ઝીંકી સૃષ્ટિ રૈયાણીની બેરહેમીથી હત્યા કરી હતી. આ કેસમાં 727 દિવસ બાદ આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેશન્સ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી હતી. આ ઉપરાંત સગીરાના ભાઈ પર ઘાતકી હુમલો કર્યાના બનાવમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી 10 વર્ષ સજા અને 5000 દંડ ફટકારવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા ક્લિક કરો)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!