હિંદુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. સુરતમાં મિત્રને જ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 7 લાખની કાર પડાવી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુસુફને UPથી ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર, કમલેશ તિવારી હત્યા કેસ જેવો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં, યુસુફ પઠાણ સતત અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યો છે. ખંડણી અને સાયબર ફ્રોડની ઘટનામાં પણ તે શામેલ છે. તેણે જેલમાંથી બહાર આવીને પોતાની ગેંગ શરૂ રાખી છે. યુસુફે મિત્રને ચપ્પુ બતાવી ક્રેટા કાર પડાવી લીધી
તાજેતરમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુસુફ પઠાણે પોતાના જ પરિચિત મોહંમદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી. ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી. જૂન, 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિન્દાસ ફરી રહ્યો હતો. ફરિયાદીને સતત ધમકાવી પોલીસ પાસે જતા રોકવાનો પ્રયાસ કર્યો
પોલીસે ઇકબાલની ફરિયાદના આધારે યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ સામે ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. યુસુફે માત્ર 1 કાર જ નહોતી પડાવી, પરંતુ ફરિયાદીને સતત ધમકાવીને તેને પોલીસ પાસે જતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની કડક પૂછપરછમાં યુસુફની તમામ શિખામણો ઓગળી ગઈ હતી અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પોલીસ હાલમાં એ પણ તપાસી રહી છે કે, તેણે અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે મિલકતો પડાવી છે. લુણાવાડામાં 5.50 કરોડનું સાયબર ફ્રોડ, ડિજિટલ ક્રાઈમમાં યુસુફની સંડોવણી
યુસુફ પઠાણ માત્ર રસ્તા પરની ગુંડાગર્દી પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે તેના તાર સાયબર ક્રાઈમ સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને આ કેસમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના તાર મળ્યા છે. આરોપી યુસુફ ખાન અને તેના સાથી ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, તેઓ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નોંધાયેલા આશરે સાડા પાંચ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા છે. આ કૌભાંડમાં સંતરામપુરના ‘સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નો મુખ્ય રોલ સામે આવ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ અને કોલેજ પ્રોફેસર ઇશાકભાઈએ સાયબર ફ્રોડના કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે યુસુફ પઠાણ અને અમર જરીવાલા નામના શખ્સોનો સંપર્ક કર્યો હતો. મહીસાગરના ટ્રસ્ટ અને દુબઈ કનેક્શનનો પર્દાફાશ
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. ભારતભરના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા લૂંટવામાં આવેલા પૈસા સર્વોદય ટ્રસ્ટના બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હતા. ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઈ આ નાણાં મેળવવા માટે 25% જેટલું માતબર કમિશન લેતા હતા. આ કૌભાંડમાં અમર જરીવાલાની ભૂમિકા ટ્રસ્ટના ખાતામાં આવેલા નાણાંને અન્યત્ર ટ્રાન્સફર કરી કાયદેસર બતાવવાની હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના છેડા છેક દુબઈ સુધી જોડાયેલા છે. આ પણ વાંચો… હિન્દુવાદી નેતાની હત્યામાં છુટેલા યુસુફખાનની ગેંગ ફરી એક્ટિવ, લિંબાયતમાં સાગરિતોએ આતંક મચાવ્યો
‘આ ગાડી મને ગમી ગયેલ છે અને હું તને હવે પરત નહીં કરું’
ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, જામીન ઉપર છૂટ્યા પછી એણે આ જે ફરિયાદી છે, મોહમ્મદ ઇકબાલ સિદ્દીકી પાસેથી બળજબરીથી અને ચપ્પુ બતાવીને એની જે ક્રેટા ગાડી છે એ લઈ લીધેલી હતી. ‘આ ગાડી મને ગમી ગયેલ છે અને હું તને હવે પરત નહીં કરું’ એમ કહીને બળજબરીથી પડાવી લીધેલી હતી. એની આરસી બુક પણ બળજબરીથી પડાવી લીધી હતી. જે બાબતે પોલીસ પાસે આવતા આ ફરિયાદ અમે લિમ્બાયત પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે અને જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇર્ષદ ખાન પઠાણ, એની પણ અમે અટકાયત કરેલ છે. જ્યારે પ્રાયમરી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું, ત્યારે મોહમ્મદ યુસુફ ખાન ઇર્ષદ ખાન પઠાણની સાથે બીજો એક આરોપી છે, ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકી. સાયબર ફ્રોડના પૈસા ખાતામાં નખાવી અને 25% કમિશન લેતો
કાનન દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મહીસાગર ખાતે. જેમાં જે આરોપી છે ઇશાકભાઈ જે સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ છે અને ત્યાં કોલેજમાં પ્રોફેસર પણ છે, એની પાસે અલગ અલગ ભારતના રાજ્યોમાંથી સાયબર ફ્રોડ કરીને જે પૈસા આવે છે, એ પૈસા ખાતામાં નખાવી અને 25% જેટલું કમિશન લઈને એ પૈસા સાયબર ફ્રોડના લેવા માટે આખી એક ટોળકી રચી હતી. જેમાં ઇશાકે જે આરોપી છે એણે મોહમ્મદ યુસુફ ખાન ઇર્ષદ ખાન પઠાણનો કોન્ટેક્ટ કર્યો અને આ પૈસા ટ્રસ્ટના ખાતાઓમાં નાખી અને કેવી રીતે વાઈટ કરવા એ માટે થઈને અમર નઇમ ગુલામ મોઇનુદ્દીન જરીવાલાનો કોન્ટેક્ટ કર્યો હતો. ત્રણેય જણાએ ભેગા મળી અને અત્યારે પ્રાયમરી ઇન્વેસ્ટિગેશનમાં સાડા પાંચ કરોડનું જે સાયબર ફ્રોડ મહીસાગર લુણાવાડા ખાતે દાખલ થયેલું છે, એ ત્રણેય આરોપીઓમાંથી અમે મોહમ્મદ યુસુફ ખાન ઇર્ષદ ખાન પઠાણ અને જે બીજા આરોપી છે એ બંનેની અટકાયત કરી અને મહીસાગર અમે મોકલી આપેલા છે. ‘દુબઈનો પણ એ લોકોનો કોન્ટેક્ટ છે’
તેને વધુમાં કહ્યું કે, અને જે એક્સટોર્શનની ફરિયાદ દાખલ થઈ છે અમારા લિમ્બાયત પોલીસ સ્ટેશનમાં એમાં અમે મેઈન આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇર્ષદ ખાન પઠાણ એની પણ અટકાયત કરેલ છે.અત્યારે પ્રાયમરી ઇન્વેસ્ટિગેશનમાં ઇન્ટ્રોગેશનમાં અમને એવી ખબર પડી છે કે જે ફરિયાદ તો મૂળ મહીસાગર દાખલ થઈ છે. નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો તે દિશામાં તપાસ
હાલમાં લિમ્બાયત પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ યુસુફ પઠાણની ધરપકડ કરી છે, જ્યારે સાયબર ફ્રોડના ગુનામાં યુસુફ અને અન્ય આરોપીઓને મહીસાગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દુબઈમાં રહેલા સંપર્કો દ્વારા આ નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો અને શું આ રકમ કોઈ અન્ય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં તો વાપરવામાં નહોતી આવતી ને? આ મામલે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. કમલેશ તિવારીની કાર્યાલયમાં ઘૂસીને નિર્મમ હત્યામાં યુસુફની સંડોવણી
ઉત્તર પ્રદેશના લખનૌમાં હિંદુવાદી નેતા કમલેશ તિવારીની તેમના જ કાર્યાલયમાં ઘૂસીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેણે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી હતી. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસમાં સુરતના લિંબાયત વિસ્તારના યુસુફ પઠાણની સંડોવણી સામે આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. યુસુફ પઠાણની ગુનાહિત માનસિકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હત્યાકાંડમાં જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય નાગરિકોને ધાક-ધમકી આપી રહ્યો હતો. કમલેશ તિવારીની હત્યાના ગંભીર આરોપો હોવા છતાં, તેના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. લિંબાયત પોલીસે તેની ધરપકડ કરી છે. શું છે કમલેશ તિવારી હત્યા કેસ?
18 ઓક્ટોબર, 2019ના દિવસે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ત્યારે કમલેશ તિવારીને ઈલાજ માટે ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ખુર્શીદ બાગ સ્થિત હિન્દુ સમાજ પાર્ટીના કાર્યાલય પર ચા પીવા આવેલા કેટલીક વ્યક્તિ આવી હતી, જેઓ મિઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચો લઈને આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો નાસી છૂટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મુહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. UPમાં હત્યા થઈ અને એક મીઠાઈના બોક્સના આધારે ATSએ સુરતથી હત્યારા શોધી કાઢ્યા
કમલેશ તિવારીની હત્યા થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ઉત્તરપ્રદેશ પોલીસને મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું, જેના પર ધરતી નમકીન લખ્યું હતું. આ દુકાન સુરતના ઉધના વિસ્તારમાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે ઉત્તરપ્રદેશ પોલીસે ગુજરાત ATSને જાણ કરી હતી અને ગુજરાત ATSએ આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!