૨૦૦૭માં ફોરલેન હાઈવે બન્યો છતાં ભાદરનાલા પુલ નવીન ન થતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી
![]()
![]()
સાંતલપુર તાલુકા નજીક નેશનલ હાઈવે–૨૭ પર આવેલ ભાદરનાલા તરીકે ઓળખાતો મહત્વનો પુલ હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોની સલામતી માટે ગંભીર જોખમ બની રહ્યો છે. વર્ષ ૧૯૬૦ આસપાસ નિર્માણ થયેલ આ પુલને આજદિન સુધી નવીન બનાવવામાં આવ્યો નથી, જે આશ્ચર્યજનક બાબત ગણાઈ રહી છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે વર્ષ ૨૦૦૭માં કંડલા–પાલનપુર મુખ્ય માર્ગને ફોરલેન હાઈવે તરીકે વિકસાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કરોડો રૂપિયાનો ખર્ચ કરી રોડ નવીન બનાવાયો, પરંતુ આ જ માર્ગ પર આવેલા ભાદરનાલા પુલને જૂનો જ રાખવામાં આવ્યો હતો. કંડલા બંદર અને પાલનપુરને જોડતો આ હાઈવે અતિ મહત્વનો હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં માલવાહક વાહનો, કન્ટેનરો અને ભારે ટ્રકો પસાર થાય છે.
સ્થાનિક રહીશો અને નિયમિત વાહનચાલકો જણાવે છે કે પુલની પાળીઓ અને કૉન્ક્રિટ ભાગોમાં તિરાડો પડી ગઈ છે. કેટલાક ભાગોમાં કૉન્ક્રિટ ખખડી રહ્યું હોવાનું પણ નજરે પડે છે. ભારે વાહનો પસાર થાય ત્યારે પુલ કંપતો હોય તેવી અનુભૂતિ થતી હોવાનું લોકો કહે છે. સતત ભારે અવરજવર અને સમયના પ્રભાવને કારણે પુલની સ્થિતિ દિવસેને દિવસે વધુ નબળી બની રહી છે.
આવી સ્થિતિમાં કોઈ પણ સમયે મોટી અને અણધારી દુર્ઘટના સર્જાઈ શકે તેવો ભય વ્યાપી રહ્યો છે. છતાં અત્યાર સુધી સંબંધિત માર્ગ અને ઇમારત વિભાગ અથવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પુલની સંપૂર્ણ તકનિકી તપાસ કરવામાં આવી હોવાના કોઈ અહેવાલો સામે આવ્યા નથી. પરિણામે તંત્રની બેદરકારી અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા પુલની તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરી તેની લોડ ક્ષમતા તપાસવાની માંગ કરવામાં આવી છે. જો પુલ ક્ષતિગ્રસ્ત સાબિત થાય તો તાત્કાલિક મરામત કે નવીન પુલના નિર્માણ માટે કામગીરી શરૂ કરવાની માંગ પણ ઉઠી છે.
લોકોનો સવાલ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બાદ જ જાગશે? ૬૫ વર્ષ જૂના પુલ પર આજના સમયમાં ભારે વાહનવ્યવહાર ચલાવવો કેટલો યોગ્ય છે તે અંગે ગંભીર વિચાર કરવાની જરૂર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વાહનચાલકો અને સ્થાનિકોની સલામતીને ધ્યાનમાં રાખી પ્રશાસન સમયસર અસરકારક પગલાં ભરે તેવી માંગ વધુ તેજ બની છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

