સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર આજે હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા. ત્યાર બાદ 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે હંગામી જામીન લંબાવ્યા નહોતા અને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. જેને પગલે રેપિસ્ટ આસારામે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. 27 ઓગસ્ટે સુનાવણી કરતા રાજસ્થાન હાઇકોર્ટે કહ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ મુજબ-આસારામની તબિયત એટલી ગંભીર નથી કે તેના જામીન લંબાવવામાં આવે. જો કે આસારામને વ્હીલ ચેરની સુવિધા અને એક સહાયક રાખવાની છૂટ આપી હતી. ગુજરાત હાઇકોર્ટે ચારવાર જામીન લંબાવ્યા
આ પહેલાં 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા. 18 ઓગસ્ટે અમદાવાદ સિવિલમાં મેડિકલ ચેકઅપ થયું
આ પહેલાં આસારામને જોધપુર હાઇકોર્ટના ઓર્ડરને પગલે 18 ઓગસ્ટ, 2025ની સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયો હતો. ખાનગી બોડીગાર્ડના કાફલા સાથે આવેલા આસારામની ઓપીડી અને ટ્રોમા સેન્ટરમાં તપાસ દરમિયાન અંદાજે ત્રણથી ચાર કલાક સુધી દર્દી-સગાંને હાલાકી ભોગવવી પડી હતી. આ પહેલાં આસારામની કારને રોંગ સાઇડથી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી લઈ જવાતાં આઠેક એમ્બ્યુલન્સના દર્દીઓએ વીસેક મિનિટ રાહ જોવી પડી હતી. આસારામના ખાનગી બોડીગાર્ડ્સે ટ્રોમા સેન્ટરના દરવાજા અન્ય દર્દીઓ માટે બે કલાક બંધ કરી દીધા હતા. જ્યારે ઓપીડી પણ અઢી કલાક માટે બંધ રહી હતી. એટલું જ નહિ, સાધકોએ પણ મીડિયાકર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. ગુજરાત HCનો આધાર લઈ રાજસ્થાન HCએ જામીન લંબાવ્યા હતા
આ પહેલાં રાજસ્થાન હાઇકોર્ટમાં આસારામ વતી વકીલ નિશાંત બોરડાએ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આસારામના વચગાળાના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું હતું કે આસારામનું ‘ટ્રોપોનિન લેવલ’ ખૂબ જ ઊંચું છે. આ ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 2008માં આસારામ આશ્રમમાં સાધકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો
વર્ષ 2008માં અમદાવાદનાં બે ભાઈ દીપેશ અને અભિષેકના આશ્રમમાં મૃત્યુ થયાં હતાં, જેને લઈને સમગ્ર રાજ્યમાં આસારામ સામે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમય દરમિયાન મોટેરા આશ્રમમાં નાગરિકો પહોંચી ગયા હતા, જેથી અમદાવાદ સહિતના મીડિયાની ટીમના પત્રકારો આશ્રમનું કવરેજ કરવા ગયા હતા, જેમાં આસારામ આશ્રમના સાધકો દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 19 જેટલા સાધકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ ગાંધીનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી. કે. ગઢવીની કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં રાયટિંગ અને મારઝૂડ કેસમાં 7 આરોપી પ્રદીપ મિશ્રા, દુર્ગેશ થાપા, રામ રમુ રાવત, દીપનારાયણ ચૌહાણ, મનોજ બગુલ, પ્રમોદ બિશન અને સંજય શાહુને કલમ 147, 149 મુજબ દોષિત ઠેરવી તથા કલમ 323 મુજબ એક વર્ષની સજાનો હુકમ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાના દિવસે જ સાધકોએ પોતાના ગુરુના બચાવ માટે પત્રકારો પર હુમલો કર્યો હતો. જ્યારે અન્ય 4 કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવ્યા સુરતની મહિલાએ આસારામ સામે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’
પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યાર બાદ આસારામના ફાર્મહાઉસ શાંતિ વાટિકા પર બોલાવવામાં આવી હતી. આશ્રમની અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મહાઉસ પર લઈ ગયા હતા, જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતાં ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આસારામે ‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યાર બાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી. આસારામ અને તેના પુત્ર સામે નોંધાવી હતી ફરિયાદ
સુરતની બે બહેનોએ નારાયણ સાઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આસારામનો પરિવાર અને વિવાદ
આસારામ અને તેના પરિવારનાં ‘કાળાં કરતૂતો’ 2013માં સામે આવ્યાં હતાં. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. યુવતીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. બે બહેનોએ પિતા-પુત્ર સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો
સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ બે બહેનોએ પણ કેસ દાખલ કર્યો હતો. એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજીએ નારાયણ સાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. બંને બહેનોએ બળાત્કાર, અકુદરતી સેક્સ અને ગેરકાયદે કેદનો આરોપ લગાવ્યો હતો. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈએ 2001થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. એક બહેને સુરતમાં નારાયણ સાઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!