હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. એને જોતાં પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપીને અનેક મહત્ત્વનાં પગલાં ભરવામાં આવ્યાં છે. ડબલ હોલ્ડિંગ એરિયા ઊભો કરી દેવામાં આવ્યો છે. આ સાથે બે દિવસમાં 20 ટ્રેન દોડાવવામાં આવશે તથા જેમાં છથી વધુ અને સ્પેશિયલ અનરિઝર્વડ ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે પાંચ ટ્રેનમાં ડબ્બાઓ પણ જનરલ કરી દેવામાં આવ્યા છે, જેથી મુસાફરોને પોતાના માદરે વતન મોકલી શકાય. મુસાફરો માટે વધારાની સુવિધાઓ
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ દિવાળી અને છઠ પૂજા દરમિયાન પણ રેલવે દ્વારા લાખો મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ વખતે હોળીના તહેવારમાં પણ એવી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ને હાઈ-લેવલ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અહીં નવા શેડ, પૂરતી લાઈટો અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ કામચલાઉ ‘ટેન્ટ એરિયા’ પણ તૈયાર કરાયો
ગરમીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર ઠંડા પીવાના પાણી માટે વોટર કૂલર્સ મૂકવામાં આવ્યાં છે. મુસાફરોને બેસવા માટેના કાયમી હોલ્ડિંગ એરિયાની ક્ષમતા બમણી કરવામાં આવી છે. આ ઉપરાંત એક વિશાળ કામચલાઉ ‘ટેન્ટ એરિયા’ પણ તૈયાર કરાયો છે, જ્યાં મુસાફરો આરામ કરી શકે. પ્લેટફોર્મ પર નવા કાયમી અને કામચલાઉ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સલામતી અને વ્યવસ્થાપન માટે ચુસ્ત બંદોબસ્ત
ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે એ માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. RPF, GRP અને સિટી પોલીસના જવાનો ખડેપગે રહેશે. ટિકિટ ચેકિંગ અને અન્ય સુવિધાઓ માટે વધારાના કોમર્શિયલ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. દર 8 કલાકે એક ઉચ્ચ અધિકારી સ્ટેશન પર હાજર રહીને વ્યવસ્થાઓનું મોનિટરિંગ કરશે. મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેનોનું આયોજન
સૌથી મહત્ત્વની બાબત એ છે કે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે પ્રશાસનનો વિશ્વાસ છે કે તમામ મુસાફરો સુરક્ષિત રીતે અને સમયસર તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરવા પહોંચી શકશે. રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!