પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. પાટણની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. કાળી ભુક્કીના કટ્ટાની આડમાં છુપાવીને લઈ જવાતી ભારતીય બનાવટની વિદેશી દારૂની હજારો બોટલો સાથે એક ટ્રક ઝડપાઈ છે.

આ કાર્યવાહીમાં પોલીસે કુલ અંદાજે રૂ. 50,00,380 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રો મુજબ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી કામગીરી તેજ કરવામાં આવી છે. જેના અનુસંધાને એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર ના માર્ગદર્શન હેઠળ ટીમ ચાણસ્મા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન મળેલી બાતમીના આધારે મહેસાણા તરફથી રાધનપુર તરફ જતી RJ-19-GC-1176 નંબરની ટ્રક પર શંકા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસને જોઈ ટ્રકનો ચાલક વાહન ઝડપી હંકારી કંબોઇ ગામ નજીક પહોંચી ગયો અને ચાલુ ટ્રકમાંથી કૂદી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રક રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી.
પોલીસે ટ્રકની તપાસ કરતા કાળી ભુક્કીના 51 કટ્ટાની આડમાં છુપાવીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 18,576 બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત રૂ. 39,95,280 હોવાનું જાણવા મળ્યું છે.
કબજે કરાયેલ મુદ્દામાલ
ભારતીય બનાવટનો વિદેશી દારૂ – 18,576 બોટલો (રૂ. 39,95,280)
ટ્રક નંબર RJ-19-GC-1176 – રૂ. 10,00,000
કાળી ભુક્કીના 51 કટ્ટા – રૂ. 5,100
આર.સી.બુકની નકલ, ગોલ્ડ લોન પહોંચ, ત્રણ ATM કાર્ડ અને લોન ડાયરી
આ રીતે કુલ રૂ. 50,00,380 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ટ્રકનો ચાલક, ટ્રકનો માલિક અને દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સોની શોધખોળ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
