વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી વાવ–થરાદે માદક પદાર્થ સામે મોટી કાર્યવાહી કરતા ૫૧૩ ગ્રામ અફીણ સાથે બે આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે બોલેરો કેમ્પર ગાડી, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 10,66,500 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને વાવ–થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ મુજબ કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રબારીના નેતૃત્વમાં ડોળી-ધુળેટી તહેવારને ધ્યાનમાં રાખીને વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.
માંગરોળ ગામની સીમમાં ભારતમાલા રોડ નજીક સર્વિસ રોડ પર ચેકિંગ દરમિયાન મહિન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર (નં. GJ-01-BL-9612) અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં બેઠેલા માંગીલાલ પાંચારામ વિશ્નોઈ અને કિશનલાલ ધનાજી વિશ્નોઈ (રહે. મીરપુરા ગ્રામ પંચાયત ગુંદાઉ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન) પાસેથી ગેરકાયદેસર અફીણ મળી આવી હતી.
પોલીસે બંને પાસેથી કુલ ૫૧૩ ગ્રામ અફીણ (કિંમત રૂ. 2,56,500) ઉપરાંત બે મોબાઈલ ફોન અને બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ રૂ. 10,66,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ અફીણનો જથ્થો શેતાન જગમાલરામ વિશ્નોઈ (રહે. જોગાઉ, તા. ભિન્નમાલ, જી. જાલોર, રાજસ્થાન) દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.
આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ-1985 હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
