ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. શહેરના જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવવા મામલે સુરત પોલીસે લાલ આંખ કરી છે. આ મામલે શહેરના પૂણા અને કતારગામ પોલીસ મથકોમાં અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, 28 અને 29 માર્ચની રાત્રિ દરમિયાન સુરતના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસનું નામ કે સરનામું લખવામાં આવ્યું નહોતું, જે કાયદાકીય રીતે ગુનો બને છે. પક્ષની છબી ખરડવાના ઇરાદે કરાયેલા આ કૃત્ય બાદ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા
પૂણા પોલીસ મથકે નોંધાયેલી FIR મુજબ, સીતાનગર ચાર રસ્તા ઓવરબ્રિજના થાંભલાઓ અને પૂણાગામ મંડળી પાસે ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી વિશાલ ભીખાભાઈ ચાવડા અને અન્ય 2થી 3 અજાણ્યા શખ્સો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ-336(4), 54 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટની કલમ 3 અને 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પુણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં 3 સામે ફરિયાદ
કતારગામ વિસ્તારમાં પણ સમાન પ્રકારે બદનામ કરવાના ઈરાદે પોસ્ટરો લગાવાયા હતા. ડભોલી ચાર રસ્તા, લલિતા ચોકડી ગાર્ડન અને આંબાતલાવડી પાટીદાર સમાજની વાડીની દીવાલ જેવા વ્યસ્ત વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપીઓ દેવશીભાઈ પોપટભાઈ ઠેબરીયા અને ચિરાગ નાવડીયા અને અન્ય 2-3 અજાણ્યા શખ્સોની મિલીભગતથી આ પોસ્ટરો છાપીને લગાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરી
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પરસ્પર મિલીભગત કરી રાજકીય દ્વેષ રાખીને આ પત્રિકાઓ અને પોસ્ટરો છાપ્યા હતા. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પહેલા શરૂ થયેલા આ ‘પોસ્ટર વોર’ને કારણે સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!