ગુજરાતમાં ચારેબાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ટિકિટ માટે બધા પક્ષોમાં જોરદાર આંતરિક ખેંચતાણ મચી હતી. આ દરમિયાન અમુક જગ્ચાએ ઉમેદવાર તરીકે સેલેબ્સની જાહેરાતે બધાને ચોંકાવ્યા છે. ભાજપે સિંગર રાજલ બારોટ અને એક્ટ્રેસ નેહા સુથારને મેદાનમાં ઉતારી છે. જ્યારે ઈન્સ્ટા સ્ટાર અંકિતા પરમારને ફરી એક વખત ટિકિટ આપી છે. તેમજ લોક સાહિત્યકાર માયાભાઈની પુત્રીએ પણ રાજનીતિમાં એન્ટ્રી કરી છે. સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશે
ડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે પોલિટિકલમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ સ્વ મણિરાજ બારોટની દીકરી છે. સ્વ મણિરાજ બારોટે એક સમયે ગુજરાતની સંગીતની દુનિયામાં ધમાકો મચાવ્યો હતો. તેના પોગ્રામ જોવા માટે ગુજરાતના ખૂણે ખૂણે લોકો બસ-ટ્રકમાં સવાર થઈને આવતા હતા. પિતાના અવસાન બાદ ભાઈ-બહેનોની જવાબદારી લીધી
દીકરી રાજલ બારોટે પણ પિતાની જેમ સિંગિંગમાં કરિયર આગળ ધપાવી છે. પિતાના અવસાન બાદ ત્રણ બહેનના ઉછેરની જવાબદારી રાજલ પર આવી પડી હતી. સ્ત્રી થઈને પિતા અને ભાઈની જગ્યા લઈને ઘરની જવાબદારી સંભાળી હતી. પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા શો શરૂ કર્યા અને ત્યાર બાદ ગરબા, ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા હતા. આજે રાજલ બારોટનું પણ સંગીતની દુનિયામાં મોટું નામ છે. પતિ પણ નગરપાલિકાના સભ્ય હતા
રાજલના પતિ અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનાના રાજકારણમાં ઘણા સમયથી સક્રિય છે. તેઓ ગત ટર્મમાં ઉના નગરપાલિકામાં ભાજપના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હવે ભાજપે અલ્પેશ બાંભણિયાના પત્ની એટલે કે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નં-7માંથી ટિકિટ આપી છે. ‘બેબીને બોર્નવિટા પીવડાવો’ ફેમ નેહાની રાજકારણમાં એન્ટ્રી
અંદાજે સાત વર્ષ પહેલા ‘બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી’ આલ્મબ સોંગથી ફેમસ થયેલ નેહા સુથાર હવે રાજકારણની પીચ પર નવી ઈનિંગ રમશે. વિજાપુર તાલુકાની ફૂદેડા સીટ પરથી ભાજપમાંથી ચૂંટણી લડશે. એક સમયે ખેત મજૂરી કરતી નેહા
મહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કિમી દૂર આવેલા સરદારપુર ગામની વતની નેહા સુથારના પરિવારમાં બે મોટી બહેન અને એક નાનો ભાઈ છે. કાર પેઈન્ટર પિતાની દીકરી નેહા સુથારે બાળપણમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેણે ગુજરાન ચલાવવા લોકોના ઘરના કચરા-પોતા પણ કર્યા છે. સ્કૂલના સમયે રવિવારે ખેતરમાં મજૂરીએ પણ જતી. જેના દિવસના 40 રૂપિયા મળતા હતા. નેહા સુથારને સ્કૂલ સમયથી જ ડાન્સિંગ અને સિગિંગનો શોખ હતો. નેહા જેને ગુરુ માને છે એ રમેશકાકાના પોગ્રામમાં જતી હતી.તેણીએ માણસા કોલેજમાં ગેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. એક વર્ષ સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કર્યું
નેહા સુથાર આગળ કરિયર બનાવવા માટે અમદાવાદ આવી ગઈ હતી. અહીં તેણે 12 મહિના સુધી હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં જોબ કરી હતી. ત્યાર બાદ વિપુલ પંચીવાલાના પંચમ ગ્રુપ માટે 5 વર્ષ સુધી ડાન્સના પોગ્રામ કર્યા હતા. તેણે સાથે સિંગિગ અને એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. ધીમે ધીમે નેહા સુથારને આલ્બમ પછી ફિલ્મમાં કામ મળવા લાગ્યું. રાજકોટ મનપામાં કોંગ્રેસે RJ આભાને મેદાનમાં ઉતારી
જ્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભાને ઉમેદવાર જાહેર કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણીએ કહ્યું કે, રેડિયો જોકી તરીકે 15 વર્ષ લોકોના પ્રશ્નો દૂર કર્યા, હવે કોર્પોરેટર બનવા ઘરે ઘરે જઈશ. પ્લેટફોર્મ બદલ્યું છે પરંતુ પરફોર્મન્સ એ જ રહેવાનું છે. હું મારું કામ કરવાની છું બાકી લોકોના પ્રશ્નો વડીલો સોલ્વ કરી દેશે. મને પૂરો ભરોસો છે કે લોકો મારા ઉપર વિશ્વાસ મૂકશે અને જીતાડશે. માયાભાઈની પુત્રીની લાઠી તા.પં.ની ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રી
બગદાણા હુમલા કેસમાં પુત્ર જયરાજની સંડોવણીના કારણે હાલમાં ચર્ચામાં આવેલા ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પરણિત પુત્રીને ભાજપે લાઠી તાલુકા પંચાયતમાં મેદાનમાં ઉતારી છે. સોનલ આહિર (ડેર)ચાવંડ બેઠક પરથી ટિકિટ મળી છે. સસરા આહિર સમાજના અગ્રણી
નોંધનીય છે કે માયાભાઈ આહીરની પુત્રી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે 2020માં પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. સોનલ ડેરના સાસુ કંચનબેન ડેર અમરેલી જિલ્લા પંચાયતની ચાવંડ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. જ્યારે જીતુભાઈ ડેર અમરેલી ભાજપ જિલ્લા ઉપ પ્રમુખ સહિત અલગ અલગ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી સો.મીડિયા સ્ટાર અંકિતાની ઉમેદવારી
વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલો છે.અંકિતા પોર ગામની વતની છે અને તેનો જન્મ વડોદરામાં થયો છે . તેને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે. AAPએ સુરતમાં સો.મીડિયા ઇન્ફ્લુએન્સરને ઉતારી
આમ આદમી પાર્ટીએ સુરત મનપાના વોર્ડ નંબર 29માં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહને ઉતાર્યા છે. ઉત્તર ભારતીય મૂળના અને 20,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા સોના સિંહને ટિકિટ આપીને AAP એ પરપ્રાંતીય મતો મેળવવા અને ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવાની નવી રણનીતિ અપનાવી છે. કોણ છે સોના સિંહ?
સુરતનો વોર્ડ નંબર 29 ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકોનો ગઢ ગણાય છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. સોના સિંહ (ગોલ્ડી રાઘવેન્દ્ર પ્રસાદ સિંહ) મૂળ યુપીના અલ્હાબાદના વતની છે, પરંતુ તેમનો ઉછેર અને અભ્યાસ સુરતમાં જ થયો છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!