ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ 15 મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી સમયમાં મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂક થવાની છે. મેયર સહિતના પદાધિકારીઓ નક્કી કરવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણામાં ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવશે અને મેયર તરીકેના નામો આપવામાં આવશે. જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત થશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિમેલા નિરીક્ષકો 1થી 3 મે દરમિયાન મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ તાલુકા પંયાચતોમાં ચૂંટાયેલા ભાજપના જન પ્રતિનિધિઓને મળીને કોને મેયર અને પ્રમુખપદ સહિતના હોદ્દા આપવા તે અંગે રજૂઆતો સાંભળશે. આ સેન્સ પ્રક્રિયા અંગેનો અહેવાલ પ્રદેશ મોવડીમંડળને અપાયા પછી 4, 5 અને 6 મે એમ ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે એવી શક્યતા છે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રાજ્યની 15 મહાનગરપાલિકા માટેના મેયર પદના દાવેદારના નામો પર ચર્ચા કરવામાં આવશે અને દરેક મહાનગરપાલિકા માટે મેયરના નામના કવર બનાવીને જે તે શહેર પ્રમુખ અથવા પ્રભારીને આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે જે બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવશે. 15 મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ
