પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનને અપહરણના ગંભીર ગુનામાં નોંધપાત્ર સફળતા મળી છે. નવા જાખોત્રા ગામની 14 વર્ષીય સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી છે. પોલીસની આ કામગીરીને સમગ્ર જિલ્લામાં વખાણ મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તા. 03 મે 2026ના રોજ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમની 14 વર્ષ 7 માસની સગીર દિકરી વહેલી સવારે આશરે 1:30 થી 6:00 વાગ્યાની વચ્ચે ગુમ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે નવા જાખોત્રા ગામના રહેવાસી સલીમ જમા રમજુ બોકેરા દ્વારા સગીરાને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ જવાઈ હતી. આ અંગે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી. એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવી આરોપી અને ભોગ બનનાર સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે આરોપી અને સગીરાના સગા-સંબંધીઓની પૂછપરછ કરી, તેમના રહેણાંક સ્થળોએ તપાસ કરી અને સાથે ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી માહિતી એકત્રિત કરી. તપાસ દરમિયાન આરોપી અને સગીરા ગાંધીનગર ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ગાંધીનગર પહોંચી હતી.

ઝડપી અને ચોકસાઈભરી કાર્યવાહીથી પોલીસે આરોપી સલીમ જમા રમજુ બોકેરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવારને સોંપવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશનમાં એસ.ઓ.જી. પાટણ અને સાંતલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓએ સંયુક્ત રીતે પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસની આ સફળ કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે અને પોલીસ વિભાગની કાર્યક્ષમતાને લઈને વિશ્વાસ વધ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!