રાધનપુર.પાટણ રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરે આજે લાઇવ ડિબેટ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ લાઈવ સવાલો છે એ ભાજપ કોંગ્રેસ કોઈ પક્ષપાત વગર પ્રજાહિતમાટે હતા સવાલોના જવાબ રાધનપુરની જનતા જાણી શકે એ માટે સતાપક્ષને પૂછવા રાખ્યા હતા પરંતુ સત્તાપક્ષ બધાય ખુરશી મુકી ને નાસી ગયા હતા કોઈ હાજર રહેલ નથી

રાધનપુર શહેરની જનતાના પ્રશ્નોને લઈને યોજાનારી લાઈવ ડિબેટ માટે પ્રજા અને વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવનાર મુખ્ય પ્રશ્નો નીચે મુજબ છે:
રાધનપુરની જનતાના ૨૧ સવાલ : જવાબ આપશે કોણ ?
(૧) સફાઈ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ કેમ?
શહેરમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની વ્યવસ્થા નામમાત્ર છે. અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળે છે. સફાઈ કામદારોને પૂરતી સુવિધાઓ કેમ આપવામાં આવતી નથી? ડમ્પિંગ યાર્ડની યોગ્ય વ્યવસ્થા કેમ નથી? શહેરમાં ફેલાતી ગંદકી અને બીમારીઓ માટે જવાબદાર કોણ?
(૨) સરકારની ગ્રાન્ટ સમયસર વપરાઈ કેમ નહીં?
દોઢ વર્ષ દરમિયાન સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ મળી? તેમાંથી કેટલા કામ પૂર્ણ થયા? અનેક ગ્રાન્ટ લેપ્સ થવાના કારણો શું? આ માટે નગરપાલિકા પ્રમુખ જવાબદાર કે અધિકારીઓ?
(૩) ટેન્ડર પ્રક્રિયામાં મનમાની કેમ?
વિકાસના કામોમાં ચોક્કસ કોન્ટ્રાક્ટરોને જ કામ આપવાના આક્ષેપો થઈ રહ્યા છે. વધુ ભાવમાં ટેન્ડર આપી નબળા કામો કેમ કરાવવામાં આવ્યા? પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ જાહેર કેમ નથી થતો?
(૪) CM ડેશબોર્ડ અને પાલિકા એપની ફરિયાદોનું નિરાકરણ કેમ નહીં?
નાગરિકો દ્વારા ઓનલાઈન કરવામાં આવેલી ફરિયાદો લાંબા સમય સુધી પેન્ડિંગ કેમ રહે છે? ફરિયાદોનો સમયસર ઉકેલ કેમ આવતો નથી?
(૫) વિપક્ષના સભ્યોને અવાજ ઉઠાવવા દેવામાં કેમ નથી આવતું?
સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો પ્રજાહિતના પ્રશ્નો ઉઠાવે ત્યારે તેમને સાંભળવામાં કેમ આવતું નથી? સભા સમય પહેલાં જ સમાપ્ત કેમ કરી દેવામાં આવે છે?
(૬) શહેર અંધારપટમાં કેમ?
શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે. રાત્રે ચોરી અને અકસ્માતની ભીતિ વધી રહી છે. વારંવાર રજૂઆત છતાં લાઈટોની સમસ્યાનો ઉકેલ કેમ નથી?
(૭) રખડતા ઢોરોના ત્રાસથી જનતા પરેશાન કેમ?
રખડતા પશુઓના કારણે અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે. છતાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
(૮) UDP-88 ગ્રાન્ટના કામો અટકેલા કેમ?
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ અનેક વિકાસ કામો હજુ સુધી શરૂ કેમ થયા નથી?
(૯) રોડના બદલે પાણીનો છંટકાવ કેમ?
રસ્તાઓની હાલત ખરાબ છે છતાં રોડ બનાવવાને બદલે ટેન્કરથી પાણી છાંટીને ધૂળ દબાવવાનો પ્રયાસ કેમ? વેપારીઓ અને રાહદારીઓ ધૂળ તથા ગંદકીથી ત્રસ્ત કેમ?
(૧૦) ગટરનું ગંદુ પાણી રસ્તા પર કેમ?
શહેરના રસ્તાઓ પર સતત ગટરના પાણી વહે છે. શાળા, મંદિર, મસ્જિદ અને બજારમાં જવા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ?
(૧૧) ગટર લાઈનો ચોકઅપ થાય ત્યારે તાત્કાલિક કામગીરી કેમ નહીં?
પાલિકા પાસે પૂરતા સાધનો અને મેનપાવર છે કે નહીં? ફરિયાદ બાદ ચાર-ચાર દિવસ સુધી કામગીરી કેમ થતી નથી?
(૧૨) ચોમાસા પહેલાં આગોતરી તૈયારી શું?
ચોમાસાની શરૂઆત પહેલાં પાણી નિકાલ અને વરસાદી પરિસ્થિતિ માટે શું આયોજન કરવામાં આવ્યું છે? ગયા વર્ષની જેમ ફરી લોકો પાણીમાં ગરકાવ થશે?
(૧૩) પીવાના પાણીની સમસ્યા ક્યારે ઉકેલાશે?
પીવાનું પાણી ક્યારે આવશે તેનો કોઈ નક્કી સમય નથી. ઘણીવાર ખારું અને ગટરમિશ્રિત પાણી આવે છે. સ્વચ્છ પાણી રાધનપુરની જનતાને ક્યારે મળશે?
(૧૪) પાણીવેરો ભર્યા છતાં ટેન્કરનું પાણી કેમ ખરીદવું પડે?
પ્રજા નિયમિત પાણીવેરો ભરે છે છતાં ખાનગી ટેન્કરથી પાણી ખરીદવું પડે છે. શું ટેન્કર માફિયા અને પાલિકા વચ્ચે કોઈ સાંઠગાંઠ છે?
(૧૫) ટેક્સ વસૂલાય છે તો સુવિધાઓ ક્યાં?
મકાનવેરો, પાણીવેરો અને સફાઈવેરો વ્યાજ સાથે વસૂલાય છે છતાં શહેરમાં નર્ક જેવી સ્થિતિ કેમ?
(૧૬) કરોડોના બિલો “OK રિપોર્ટ” પર કેમ પાસ થાય છે?
રોડ-ગટર જેવા કામોમાં માત્ર કાગળ પર ઓકે રિપોર્ટ બતાવી કરોડોના બિલો પાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. માહિતી માંગતા છતાં કેમ આપવામાં આવતી નથી?
(૧૭) નવા રોડ થોડા દિવસોમાં તૂટી કેમ જાય છે?
નવી બનાવાયેલી સડકો થોડા જ દિવસોમાં બિસ્માર બની જાય છે. કોન્ટ્રાક્ટરો સામે જવાબદારી નક્કી કેમ થતી નથી?
(૧૮) ટ્રાફિક અને વેન્ડિંગ ઝોન અંગે આયોજન ક્યાં?
મુખ્ય બજારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. શાકભાજી માર્કેટ અને લારી-ગલ્લા માટે કાયમી વેન્ડિંગ ઝોન કેમ બનાવાયો નથી?
(૧૯) શહેરનો કચરો ક્યાં ઠલવાય છે?
દરરોજ એકઠો થતો કચરો ક્યાં ફેંકવામાં આવે છે? વૈજ્ઞાનિક ડમ્પિંગ સાઈટ માટે શું આયોજન છે?
(૨૦) યુવાનો માટે રોજગારી અને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ ક્યાં?
રાધનપુરના યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારી મળે તે માટે શું પ્રયાસો થયા? આધુનિક લાઈબ્રેરી અને રમતગમતના મેદાનની સુવિધા ક્યારે મળશે?
(૨૧) સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ કેમ નથી?
હોસ્પિટલમાં દવાઓ, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ગાયનેકોલોજિસ્ટ, પીડીયાટ્રિશિયન અને આધુનિક મશીનરીની અછત કેમ છે? ગરીબ દર્દીઓને બહાર રીફર કેમ કરાય છે?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
