વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે હવે અમદાવાદના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેલિકન ટ્રાફિક સિગ્નલ (પૂશ બટન સંચાલિત) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. રોડ ક્રોસ કરવા માટે જો કોઈ વ્યક્તિ પૂશ બટન દબાવશે તો તરત જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો રોકાઈ જશે. જે બાદ સરળતાથી લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી શકશે. મ્યુનિસિપલ માર્કેટ પાસે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના સૌથી ધમધમતા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સિગ્નલ હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને વહીવટી કામગીરી અને નાગરિકોના પ્રાયોગિક વપરાશ માટે સોંપી દેવાયું છે. ટ્રાયલ પ્રોજેક્ટ સફળ થતા અન્ય સિગ્નલ પર લગાવાશે
AMC અધિકારીના જણાવ્યા મુજબ, સી.જી. રોડ પર શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા બારીકાઈથી અવલોકન કરવામાં આવશે. જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ અને લોક ઉપયોગી સાબિત થશે, તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ શહેરના અન્ય ભીડવાળા વિસ્તારો અને ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવા પેલિકન સિગ્નલ આગામી સમયમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. બટન દબાવતા જ સિગ્નલ સિસ્ટમ એક્ટિવ થશે
પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પદયાત્રીઓ સરળતાથી અને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે તે માટે તૈયાર કરાયેલી બટન-ઓપરેટેડ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકને આ વ્યસ્ત રોડ ક્રોસ કરવો હશે, ત્યારે તેમણે સિગ્નલના થાંભલા (પોલ) પર લગાવેલું સ્પેશિયલ બટન દબાવવાનું રહેશે. નાગરિક દ્વારા બટન દબાવતાની સાથે જ આ સિગ્નલ સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને થોડી જ સેકન્ડોમાં સામેથી આવતા વાહનો માટેની ટ્રાફિક લાઈટ લાલ થઈ જશે. પદયાત્રીઓ સુરક્ષિત ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ક્રોસ કરી શકશે
વાહનો ઉભા રહી જતાં પદયાત્રીઓ કોઈપણ પ્રકારના અકસ્માતના ભય વિના, શાંતિથી અને સુરક્ષિત રીતે ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી શકશે અને તે માટે પૂરતો સમય પણ મળશે. ટ્રાયલ સફળ જશે તો આખા શહેરમાં અમલીકરણ કરાશે. મ્યુનિ. અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ જાહેર કરીને નાગરિકોને મ્યુનિસિપલ માર્કેટ પાસેથી પસાર થતી વખતે પદયાત્રીઓની સુરક્ષા માટેની આ નવી સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. વાહનો થોભાવી રસ્તો ઓળંગતા પદયાત્રીઓને સહકાર આપે
આ સાથે જ તમામ વાહનચાલકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જ્યારે પણ આ પેલિકન સિગ્નલ લાલ થાય, ત્યારે નિયમ મુજબ સ્ટોપ લાઈન પર પોતાના વાહનો અચૂક થોભાવી દે અને રસ્તો ઓળંગતા પદયાત્રીઓને સહકાર આપે, જેથી શહેરના રસ્તાઓ સૌ માટે સુરક્ષિત બની રહે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!