પાટણ શહેરના પાયલ પાર્ક સોસાયટી અને વ્રજધામ-1 વિસ્તારને જોડતા ઇરીગેશન કેનાલ પર 9 મીટર પહોળા નવા નાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું. આ નાળાનું નિર્માણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.

ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર વંદનાબેન ઠાકોર, તાલુકા પંચાયતના સભ્યો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહિશોએ છેલ્લા બે વર્ષથી યથાવત રહેલી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્યે સ્થળ પરથી જ સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક કાર્યવાહી કરીને કાયમી ઉકેલ લાવવાની સૂચના આપી હતી.

આ દરમિયાન ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલે વહીવટી તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો ટૂંક સમયમાં ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક નાગરિકો સાથે મળીને ઉગ્ર વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઉભરાતી ગટરનું ગંદુ પાણી નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં છાંટીને વિરોધ નોંધાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.

ધારાસભ્યના આ કડક વલણને પગલે વિસ્તારના લોકોમાં ગટર સમસ્યાના ઝડપી અને કાયમી નિરાકરણ અંગે નવી આશા જાગી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!