વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, ગોબર ગેસ પ્લાન્ટની પણ જાહેરાત

સરહદી વિસ્તાર રાધનપુરના ખેડૂતોને આધુનિક અને સુવિધાસભર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાધનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ખાતે આજે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે બનાસ બેંકની નવી માર્કેટયાર્ડ શાખા, એપીએમસીનું નવું કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ તેમજ ઓપન ઓક્શન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ, સહકારી આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાયના ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રાધનપુર એપીએમસીમાં ખેડૂતોને એક જ સ્થળે તમામ જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે અંદાજે રૂ. 1.25 કરોડના ખર્ચે નવા કાર્યાલય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રૂ. 7.91 લાખના ખર્ચે ખેડૂત આરામગૃહ અને કૃષિ ઉપજને વરસાદથી સુરક્ષિત રાખવા માટે ઓપન ઓક્શન શેડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. બેન્કિંગ સુવિધા સરળ બને તે માટે માર્કેટયાર્ડ પરિસરમાં જ બનાસ બેંકની નવી શાખા શરૂ કરવામાં આવી છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. માઇક્રો ઇરિગેશનને પ્રોત્સાહન આપવા ટપક અને સ્પ્રિન્કલર સિંચાઈ પર સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે, જે પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
તેમણે વધુમાં જાહેરાત કરી કે રાધનપુરમાં બનાસ ડેરી દ્વારા ટૂંક સમયમાં ગોબર ગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ખેડૂતોને પશુપાલન આધારિત વધારાની આવક મેળવવામાં મદદરૂપ બનશે.
શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિંચાઈ અને કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. કપાસના ખેડૂતો માટે પ્રતિ હેક્ટર રૂ. 14 હજાર સુધીની ઇનપુટ સહાય અને તાલીમની યોજના અમલમાં છે. સાથે જ રાજ્યના માર્કેટયાર્ડોમાં સોલાર સુવિધા ધરાવતા શેડ બનાવવાની યોજના પણ અમલમાં મૂકાઈ રહી છે.
કાર્યક્રમના અંતે ખેડૂતો અને વેપારીઓએ નવી સુવિધાઓને આવકારી હતી અને જણાવ્યું કે આ વિકાસકાર્યો કૃષિ વેપારને વધુ સુવ્યવસ્થિત અને ખેડૂતો માટે વધુ અનુકૂળ બનાવશે.
The Gujarat Live News અહેવાલ પંકજ સાધુ પાટણ
