રાધનપુરમાં વિપક્ષ સભ્ય નો અનોખો વિરોધ. જાહેર જનતાને આમંત્રણ આપી પોતાના વિસ્તારની પ્રતિકાત્મક ગિફ્ટો મગાવી પાલિકા પ્રમુખને સોગાત સ્વરૂપે ભેટ અર્પણ કરવાનો કાર્યક્રમ જાહેર. શહેરના વિવિધ પ્રશ્નોને લઈને લોકશાહી ઢબે વિરોધ નોંધાવવાનો દાવો.

રાધનપુર નગરપાલિકાની કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે હવે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્ય જયાબેન ઠાકોરે શહેરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ અને વહીવટી કામગીરીને લઈને સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે શહેરના અનેક પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય નાગરિકોમાં અસંતોષ સતત વધી રહ્યો છે.
જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ, શહેરના રસ્તા, ગટર, પીવાના પાણી, સ્વચ્છતા, સ્ટ્રીટલાઇટ, વરસાદી પાણીના નિકાલ, વિકાસ કાર્યો સહિત કુલ 15 જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે અનેક વખત લેખિત અરજીઓ, આરટીઆઈ અરજીઓ તેમજ રૂબરૂ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે આક્ષેપ કર્યો કે નગરપાલિકાનું તંત્ર લોકોની રજૂઆતોને ગંભીરતાથી લેવાના બદલે તેને અવગણી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને પણ યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે નાગરિકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાવા, ગંદકી, તૂટી ગયેલા રસ્તાઓ અને અન્ય સમસ્યાઓ અંગે સતત ફરિયાદો છતાં સ્થિતિમાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો નથી, એવો તેમનો દાવો છે.
જયાબેન ઠાકોરે જણાવ્યું કે જો જવાબદાર અધિકારીઓ અને નગરપાલિકાના સત્તાધીશો હવે પણ લોકોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ નહીં બને અને તાત્કાલિક ઉકેલ માટે કામગીરી શરૂ નહીં કરે, તો વિરોધ પક્ષ દ્વારા લોકશાહી ઢબે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આંદોલનની શરૂઆત અનોખા વિરોધ કાર્યક્રમથી કરવામાં આવશે, જેમાં સત્તાધીશોના “વિરોધી સન્માન સમારોહ”નું આયોજન કરીને જનતાનો રોષ વ્યક્ત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટાયેલી સંસ્થાઓનું પ્રથમ કર્તવ્ય જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે. જો લોકોની વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવે તો લોકવિશ્વાસને ઠેસ પહોંચે છે. તેમણે સત્તાધીશોને જનહિતને સર્વોપરી રાખી શહેરના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી.
આ નિવેદન બાદ રાધનપુરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. શહેરના નાગરિકોમાં પણ નગરપાલિકાની કામગીરી અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. હવે લોકોની નજર નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર પર છે કે વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા આક્ષેપો અંગે તેઓ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરે છે કે નહીં અને શહેરના પ્રશ્નોના ઉકેલ માટે શું પગલાં ભરે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાધનપુરમાં નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્યોને લઈને વિવિધ સ્તરે રજૂઆતો અને વિરોધના અવાજો ઉઠતા રહ્યા છે. આવી સ્થિતિમાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત બાદ આગામી દિવસોમાં શહેરનું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
