પાટણ જિલ્લામાં આગામી રથયાત્રાને અનુલક્ષીને હાથ ધરાયેલા કોમ્બિંગ નાઇટ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં ચાલતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર કૌભાંડનો એક મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાસ્કા ગામની અરીઠાવાળા આંટા વિસ્તારમાં આવેલા એક ખેતરની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લિકેટ વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે સ્થળ પરથી ભરતસિંહ ભીખુજી રાઠોડ (જાસ્કા), ચાંપરાજ સોમભાઈ કાઠી (વિરમગામ) અને કુંવરસિંહ શીવુજી ઝાલા (શંખેશ્વર)ની ધરપકડ કરી હતી. જ્યારે શીવરાજ મારવાડી નામનો આરોપી ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન પોલીસે તૈયાર નકલી દારૂની શીલબંધ બોટલો, બ્રાન્ડના સ્ટીકરો, સીલિંગ માટેની પટ્ટીઓ, મોટી સંખ્યામાં ખાલી કાચની બોટલો, ઢાંકણાં, દારૂ તૈયાર કરવા માટે વપરાતા સાધનો તેમજ ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે ₹77,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં આરોપીઓ જાણીતી વિદેશી દારૂની બ્રાન્ડના નામે ડુપ્લિકેટ દારૂ તૈયાર કરીને તેનું વેચાણ કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ રેકેટ સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની આગેવાનીમાં કરવામાં આવી હતી. કામગીરીમાં એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!