પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ નજીક આવેલી કચ્છ નર્મદા કેનાલમાં વિશાળ ગાબડું પડતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કેનાલની કોંક્રીટ લાઇનિંગના મોટા મોટા સ્લેબ તૂટી પડ્યા હોવાનું તેમજ પાળનો મોટો ભાગ ધસી જતાં કેનાલને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ હાલ કેનાલમાંથી પાણી બહાર વહી રહ્યું નથી, પરંતુ સ્થળ પર થયેલા ધસારાને કારણે વધુ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સમયસર સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો કેનાલના અન્ય ભાગોને પણ ગંભીર અસર પહોંચી શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં વધુ ધસારો થશે તો સિંચાઈ વ્યવસ્થા પર અસર પડી શકે છે, જેના કારણે ખેતીને પણ નુકસાન થવાની શક્યતા છે.
સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી નુકસાનનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામ શરૂ કરવાની માંગ ઉઠી છે. હાલ અધિકારીઓ દ્વારા સ્થળની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે તેવી રાહ જોવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
