ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી વિના પરિવહનના આક્ષેપો વચ્ચે કાર્યવાહી, કોન્ટ્રાક્ટર પાસેથી દસ્તાવેજો માંગવામાં આવ્યા

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ચાલી રહેલી તળાવ બ્યુટીફીકેશનની કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે માટી ખનન અને રોયલ્ટી ચોરીના આક્ષેપો સામે આવતા ખાણ અને ખનીજ વિભાગે સ્થળ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરીની તપાસ કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, તળાવની બુરાણ અને સૌંદર્યીકરણ કામગીરી માટે મોટી સંખ્યામાં ડમ્પરો મારફતે માટી લાવવામાં આવી રહી હતી. જોકે, આ માટીનું ખનન નિયમો અનુસાર કરવામાં આવ્યું હતું કે નહીં અને તેના માટે જરૂરી રોયલ્ટી ભરવામાં આવી હતી કે કેમ તે મુદ્દે ફરિયાદો વિભાગ સુધી પહોંચી હતી.
ફરિયાદને આધારે ખાણ-ખનીજ વિભાગે સ્થળ પર સઘન ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કામગીરીમાં ઉપયોગમાં લેવાતું એક JCB મશીન જપ્ત કરીને હારીજ પોલીસ મથકે સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, સંબંધિત કોન્ટ્રાક્ટરને માટીના ખનન, પરિવહન અને રોયલ્ટી ચુકવણી સંબંધિત તમામ દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જો તપાસ દરમિયાન ગેરરીતિ અથવા નિયમોના ભંગના પુરાવા સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે ખનિજ નિયમો મુજબ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
હાલ ખાણ-ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની સત્તાવાર હકીકત સ્પષ્ટ થશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
