સરસ્વતી નદીના બ્રિજ પરથી રૂ.8.07 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપીઓની ધરપકડ

સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાં સરસ્વતી નદીના બ્રિજ ઉપર પાટણ LCB દ્વારા પ્રોહિબિશન સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે હ્યુન્ડાઇ i-10 કારને રોકી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ કારમાંથી દારૂની 1200 બોટલ, કિંમત રૂ.3,27,600 મળી આવી હતી. સાથે રૂ.4.50 લાખની હ્યુન્ડાઇ i-10 કાર અને રૂ.30 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.8,07,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંકિતકુમાર ઈશ્વરભાઈ, રહે. વાછડાલ, તા. ધાનેરા અને સચીનભાઈ પોપટભાઈ, રહે. વાછડાલ, તા. ધાનેરાની ધરપકડ કરી હતી. બંને વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં દારૂનો મુદ્દામાલ ભરાવનાર તરીકે હનુમાનરામ ઢાકા (બિશ્નોઈ), રહે. કોટડા, તા. રાણીવાડા, રાજસ્થાન તથા મુદ્દામાલ મંગાવનાર તરીકે જસવંતસિંહ બહાદુરસિંહ રાણા, રહે. ખેડા, તા. ધોળકા, જી. અમદાવાદના નામ સામે આવ્યા છે. બંને હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ LCB PI આર.જી. ઉનાગરના નેતૃત્વમાં કરવામાં આવી હતી. ટીમમાં PSI એસ.બી. સોલંકી, PSI પી.વી. ચૌધરી સહિત LCBના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

પાટણ LCBની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!