રાજકોટ, તા. 12-13 સપ્ટેમ્બર: રાજકોટ ખાતે બલરામ ખેડૂત સેવાધામમાં 19મો રેવન્યુ તાલીમ કેમ્પ યોજાયો હતો. રેવન્યુના જાણકાર તરીકે જાણીતા રમણીકભાઈ કોટડીયાની લીલીહરીયાળી વાડીમાં યોજાયેલા આ તાલીમ કેમ્પમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ ખેડૂતો ઉપસ્થિત રહી તાલીમનો લાભ લીધો હતો.

તાલીમ દરમિયાન રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડીયાએ ખેડૂતોને જમીન સંબંધિત કાયદા, રેવન્યુ રેકર્ડ અને સરકારી કચેરીઓમાં થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતને જો રેવન્યુ કાયદા અને જમીનના દસ્તાવેજો અંગે પૂરતું જ્ઞાન હોય તો જમીન સંબંધિત વિવાદો ઘટાડવામાં મદદ મળી શકે છે.

તેમણે ખેડૂતોને જમીનના રેકર્ડ તટસ્થતા અને પ્રમાણિકતાથી જાળવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આવનારી પેઢીને મિલકત સાથે શાંતિ અને સુખાકારીનો વારસો આપવો જોઈએ. જમીનના વિવાદોને કારણે પરિવારો અને ભાઈઓ વચ્ચેના સંબંધોમાં તણાવ ન સર્જાય તે માટે કાયદાકીય અને રેવન્યુ જ્ઞાન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કેમ્પ દરમિયાન રેવન્યુ રેકર્ડ, સર્વે ભવનમાં થતી કામગીરી તેમજ મામલતદાર કચેરીમાં કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલીમ કેમ્પના શુભેચ્છક, પ્રેસ સંવાદદાતા તથા ભારતીય કિસાન સંઘ, બાબરા તાલુકાના પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ જૂની જમીન માપણી પદ્ધતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આશરે 1953ના સમયગાળામાં સરકાર અને સર્વેયરો દ્વારા કરવામાં આવેલી જમીન માપણી દરમિયાન તૈયાર થયેલી ટીપ્પણમાં બે દડી (ખૂંટા) વચ્ચેના ચોક્કસ માપ નોંધવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે 10 સાંકળ અને 3 કડી જેવા ચોક્કસ માપનો ઉલ્લેખ થતો હોવાથી જમીનની હદ ઓળખવામાં સરળતા રહેતી હોવાનું તેમણે જણાવ્યું.

ભાનુભાઈ પાનશેરીયાના જણાવ્યા મુજબ, ટેક્નોલોજીના વિકાસ સાથે હાલમાં સેટેલાઈટ આધારિત માપણીનો ઉપયોગ થઈ રહ્યો છે અને તે ખૂબ જ સૂક્ષ્મ માપ આપી શકે છે. જોકે, ખેડૂતોને મળતી માપણી શીટમાં બે દડી વચ્ચેનું ચોક્કસ અંતર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તેવી જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.

તેમણે સૂચન કર્યું હતું કે નવી માપણી સીટમાં બે દડી વચ્ચેનું ચોક્કસ અંતર, જેમ કે 10 મીટર અને 35 પોઈન્ટ, સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તેમજ છ નંબરના રેકર્ડમાં દર્શાવાયેલા રસ્તાઓ પણ નવી માપણીમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તો જમીનની હદ, શેઢા-પાળા અને રસ્તા અંગેના વિવાદોમાં ઘટાડો થઈ શકે.

ખેડૂતોના હિતમાં માપણી રેકર્ડને વધુ સ્પષ્ટ અને ચોક્કસ બનાવવામાં આવે તેવી રજૂઆત સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ દિશામાં જરૂરી સુધારા કરવામાં આવે તો ખેડૂતો માટે તે ઉપયોગી પગલું સાબિત થઈ શકે છે.

The Gujarat Live News અહેવાલ: ભાનુભાઈ પાનશેરીયા, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!