ધાકધમકીથી લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યાનો આક્ષેપ, રૂ.2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
![]()
![]()
કોઠારા પશ્ચિમ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી : રૂ.1.24 કરોડ રોકડ, રૂ.1.01 કરોડથી વધુના સોના-ચાંદીના દાગીના, 74 ચેકબુક, 72 પાસબુક અને મિલકતના અસલ દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ કબજે
સરહદી કચ્છ જિલ્લામાં બિનલાયસન્સ નાણાં ધીરધાર કરી ઊંચા વ્યાજે નાણા આપ્યા બાદ ધાકધમકી અને દબાણ દ્વારા રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના તેમજ કિંમતી જમીન-મિલકતના દસ્તાવેજો પડાવી લેવાના આક્ષેપો વચ્ચે કોઠારા પશ્ચિમ કચ્છ પોલીસે મોટી સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે રૂ.2,25,79,120ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નલિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈની સૂચના હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન વ્યાજના વિષચક્રમાં ફસાયેલા એક યુવકે કોઠારા પોલીસ મથકે પહોંચી પોતાની સાથે થયેલા નાણાકીય વ્યવહાર અને કથિત ધાકધમકી અંગે પોલીસને જાણ કરી હતી.
ફરિયાદી યુવકના જણાવ્યા મુજબ આરોપીઓએ તેને 10 ટકા વ્યાજે નાણા આપ્યા બાદ સહીવાળા કોરા ચેક, સહીવાળી ચેકબુકો તથા અન્ય દસ્તાવેજો મેળવી લીધા હતા. વધુ મુદત આપવા માટે તેની ફોર-વ્હીલરનો સાટા કરાર કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ કિંમતી જમીનના દસ્તાવેજો પણ પોતાના નામે કરાવી લેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ મામલે કોઠારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 296(બી), 351(3), 308(5), 54 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011ની કલમ 40, 42 અને 43 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
બાતમીના આધારે મકાનમાં સર્ચ
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વ્યાજના વ્યવહારમાં મેળવવામાં આવેલી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના, અસલ દસ્તાવેજો તથા સહીવાળા કોરા ચેકબુક સહિતનો મુદ્દામાલ આરોપીઓના ભત્રીજા ઓસમાણ ઉર્ફે ગની મંધરા, રહે. રાયધણપર, તા. અબડાસાના ઘરે સંતાડવામાં આવ્યો છે.
બાતમીના આધારે કોઠારા પોલીસની ટીમે પંચોની હાજરીમાં મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ, દાગીના, દસ્તાવેજો, બેંકિંગ સંબંધિત સામગ્રી અને અન્ય મુદ્દામાલ મળી આવતા તેને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરવામાં આવ્યો હતો.
રૂ.1.24 કરોડ રોકડ સહિત લાખોની કિંમતના દાગીના
પોલીસના જણાવ્યા પ્રમાણે સર્ચ દરમિયાન અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટોમાં કુલ રૂ.1,24,53,400 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત 831.810 ગ્રામ સોનું અને 2.212 કિલોગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કાઓ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ.1,01,20,720 હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત અલગ-અલગ વ્યક્તિઓની મિલકત સંબંધિત અસલ ખાતાવહી, દસ્તાવેજો, ઓળખકાર્ડ, રેશનકાર્ડ, બેંક કાર્ડ, ચેકબુક, સહી કરેલા ચેક, પાસબુક તથા વાહનોની આર.સી. બુક સહિતની સામગ્રી પણ મળી આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં અંદાજે 74 બેંક ચેકબુક, 72 બેંક પાસબુક, 18 વાહનોની આર.સી. બુક, 34 જેટલા વિવિધ દસ્તાવેજો, અલગ-અલગ વ્યક્તિઓની મિલકતની અસલ ખાતાવહી તથા હિસાબી ડાયરીઓ નો પણ સમાવેશ થાય છે. એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.
ફરિયાદીની જમીન અંગે પણ ગંભીર આક્ષેપ
તપાસમાં ફરિયાદી દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ કોઠારા ગામની સર્વે નંબર 209 પૈકી 2ની જમીન અંગે પ્રથમ સાટા કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જમીનના દસ્તાવેજો આરોપી નં.2 દ્વારા પોતાના, મિત્ર તથા પરિવારના સભ્યોના નામે કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેને જમીનના બદલામાં રોકડ રકમ આપવામાં આવી ન હતી. બીજી તરફ તેણે આરોપીઓને સમયાંતરે રોકડ રૂ.35 લાખ તથા Google Pay મારફતે રૂ.1,48,500, એટલે કે કુલ રૂ.36,48,500 ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બે આરોપીઓ સામે કાર્યવાહી
પોલીસે આ કેસમાં (1) આમદ હાજી મામદ મંધરા, રહે. કોઠારા, તા. અબડાસા, કચ્છ અને (2) ઓસમાણ હાજી મામદ મંધરા, રહે. કોઠારા, તા. અબડાસા, કચ્છ ને આરોપી તરીકે દર્શાવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પાસે નાણાં ધીરધારનું માન્ય લાયસન્સ ન હોવા છતાં ઊંચા વ્યાજે નાણા આપીને, નાણા અથવા વ્યાજ પરત ન ચૂકવી શકનાર લોકો પાસેથી કિંમતી મિલકતો, સોના-ચાંદીના દાગીના અને અન્ય ચીજવસ્તુઓ મેળવવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
હાલમાં કબજે કરાયેલા મુદ્દામાલની માલિકી, ઓળખ અને ગુના સાથેના સંબંધ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની જાહેર જનતાને અપીલ
પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે નાણાંની જરૂરિયાત વખતે બિનલાયસન્સ નાણાં ધીરનાર પાસેથી ઊંચા વ્યાજે નાણા લેવાનું ટાળવું. નાણાકીય વ્યવહાર કરતી વખતે તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરવા તેમજ રસીદ, બેંક/UPI વ્યવહાર, કરાર-દસ્તાવેજો, મેસેજ અને અન્ય પુરાવા સાચવી રાખવા પોલીસ દ્વારા જણાવાયું છે.
જો કોઈ વ્યક્તિ બિનલાયસન્સ નાણાં ધીરધાર કરીને મનસ્વી વ્યાજની માંગણી કરે, ધાકધમકી આપે, દબાણ કરે અથવા જમીન-મિલકતના દસ્તાવેજો કરાવવા માટે હેરાન કરે તો ભયભીત થયા વગર નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા પોલીસે અપીલ કરી છે.
કાયદો હાથમાં ન લો, ફરિયાદ પોલીસ સમક્ષ રજૂ કરો — જાગૃત રહો, સાવચેત રહો અને ગેરકાયદેસર નાણાં ધીરધારથી બચો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

