‘ગ્રામ સ્વરાજ સંઘ’ સંસ્થાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ; પોલીસને લેખિત રજૂઆત કરી તાત્કાલિક FIR, તપાસ અને સગીરાની સુરક્ષાની માંગ

રાપર તાલુકાના નીલપર ગામે આવેલી ‘ગ્રામ સ્વરાજ સંઘ’ સંસ્થામાં આશ્રય લઈ અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપને લઈને મામલો ચર્ચામાં આવ્યો છે. આ અંગે રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ વીરાભાઈ રાઠોડે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મળતી વિગતો મુજબ, નીલપર ગામ ખાતે આવેલી સંસ્થામાં સગીર બાળકી આશ્રય લઈ અભ્યાસ કરતી હોવાનું જણાવાયું છે. આ દરમિયાન સંસ્થાના આચાર્ય દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો રજૂઆતમાં કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થયા બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. જેને લઈને સગીરાની સુરક્ષા અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડ દ્વારા પોલીસને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, સગીર બાળકી સાથે બનેલી હોવાનું જણાવાતી આ ગંભીર ઘટનામાં જો કોઈ કારણસર પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવામાં અસમર્થ હોય અથવા સામાજિક બદનામી, દબાણ કે અન્ય પરિસ્થિતિના કારણે આગળ આવી શકતા ન હોય, તો પોલીસ દ્વારા કાયદા મુજબ સ્વયં સંજ્ઞાન લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

બાળકીની સુરક્ષા અંગે પણ ચિંતા

રજૂઆતમાં સગીર બાળકીની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલો સંવેદનશીલ હોવાથી બાળકી પર કોઈ પ્રકારનું દબાણ ન આવે અને તેને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત બાળકીનું કાઉન્સેલિંગ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ના પ્રતિનિધિ તેમજ મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં કરવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ તેનું નિવેદન નોંધવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

POCSO સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાની માંગ

અશોકભાઈ રાઠોડની રજૂઆતમાં આક્ષેપોની તટસ્થ અને કાયદેસર તપાસ હાથ ધરવાની માંગ સાથે સગીરા સગીર વયની હોવાથી POCSO Act, 2012 હેઠળની લાગુ પડતી જોગવાઈઓ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો મુજબ ગુનો નોંધવા અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતકર્તા દ્વારા પોલીસ સમક્ષ એવો આગ્રહ પણ કરવામાં આવ્યો છે કે, ઘટનાની તપાસ દરમિયાન સગીરાની ઓળખ અને ગોપનીયતા જળવાઈ રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે તથા તપાસ દરમિયાન બાળકી પર કોઈ પ્રકારનું માનસિક કે સામાજિક દબાણ ન આવે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવે.

ઉચ્ચ અધિકારીઓને પણ જાણ

આ સમગ્ર મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય તે માટે પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ (ગાંધીધામ) તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, પૂર્વ કચ્છને પણ જાણ કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

હવે રાપર પોલીસ દ્વારા આ રજૂઆતના આધારે શું કાર્યવાહી કરવામાં આવે છે અને આક્ષેપોની તપાસમાં હકીકત શું સામે આવે છે તેના પર નજર રહેશે. સગીર બાળકી સાથે સંબંધિત મામલો હોવાથી તપાસ દરમિયાન કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની ગોપનીયતા જાળવવી મહત્વપૂર્ણ બની રહે છે.

નોંધ : ઉપરોક્ત સમાચાર લેખિત રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો અને માંગ પર આધારિત છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!