વિપક્ષી નગરસેવક જયાબેન ઠાકોરે તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો, તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
રાધનપુર-મહેસાણા હાઈવે પર નગરપાલિકાની હદમાં આવેલા રેવન્યુ સર્વે નંબર ૩૪૪ પૈકીની જમીન પર કથિત રીતે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે વિકાસ પરવાનગી વિના પાંચ દુકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ બાંધકામ ધાબા સુધી પહોંચી જતાં રાધનપુર નગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
આ મામલે રાધનપુરનાં વિપક્ષી નગરસેવક જયાબેન ઠાકોરે નગરપાલિકા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તા. ૧૯-૧૦-૨૦૨૬ના રોજ પ્રથમ નોટિસ આપવામાં આવી હોવા છતાં બાંધકામ અટક્યું નથી. નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ સતત આગળ વધતું રહ્યું અને ધાબા સુધી પહોંચી ગયું, તો પછી તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં?
જયાબેન ઠાકોરે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સામાન્ય નાગરિકો સામે નિયમોના પાલન માટે કડકાઈ બતાવવામાં આવે છે, પરંતુ મોટા પાયે બાંધકામ થતું હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા અનેક શંકાઓ ઊભી કરે છે. માત્ર નોટિસ આપીને જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ નિયમ મુજબ અસરકારક કાર્યવાહી થવી જરૂરી છે.
તેમણે નગરપાલિકા પાસે ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે. જેમાં વિવાદિત બાંધકામ તાત્કાલિક અટકાવવું, જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ કરવી તથા સમગ્ર મામલે પારદર્શકતા સાથે પ્રજાને સાચી હકીકત જણાવવી સામેલ છે.
માત્ર નોટિસ નહીં, હવે કડક કાર્યવાહી કરો’
જયાબેન ઠાકોરે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે.
હવે રાધનપુરની જનતામાં પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ આગળ કેવી રીતે વધ્યું? શું નગરપાલિકા તંત્ર આ મામલે જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરશે કે પછી આ મુદ્દો પણ માત્ર કાગળ પરની નોટિસો પૂરતો જ સીમિત રહેશે?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
