ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે અલગ નિયમો અને મળતિયાઓને છૂટછાટ કેમ? સમાન ન્યાયની માંગ સાથે તપાસ અને કાર્યવાહીની માંગ
રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ગ્રીન ઝોનમાં બાંધકામ અને પરમિશન આપવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. આ મામલે રાધનપુરનાં નગરસેવક જયાબેન ઠાકોરે નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કર્યો છે.
જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ, સામાન્ય નાગરિકો પોતાના રહેઠાણ, રોજીરોટી કે નાના વ્યવસાય માટે કાયદેસરની પરમિશન મેળવવા નગરપાલિકામાં જાય ત્યારે તેમને નિયમોનું કારણ આપી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ, કેટલાક પસંદગીના લોકોને ગ્રીન ઝોનમાં પરમિશન અને છૂટછાટ આપવામાં આવી હોવાના આક્ષેપો સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે.
તેમણે પ્રશ્ન કર્યો છે કે જો ગ્રીન ઝોનમાં પરમિશન આપવાની જોગવાઈ હોય તો સામાન્ય નાગરિકોને તેનો લાભ કેમ મળતો નથી? અને જો નિયમો મુજબ પરમિશન આપી શકાય તેમ ન હોય તો અગાઉ કોને અને કયા આધારે પરમિશન આપવામાં આવી તેની તપાસ થવી જોઈએ.
જયાબેન ઠાકોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે નગરપાલિકા કોઈ એક વર્ગ કે ચોક્કસ વ્યક્તિઓની જાગીર નથી. તે રાધનપુરના તમામ નાગરિકોની સંસ્થા છે અને દરેક નાગરિકને સમાન ન્યાય મળવો જોઈએ.
તેમણે માંગ કરી છે કે ગ્રીન ઝોનમાં આપવામાં આવેલી તમામ પરમિશનની નિયમો અનુસાર તપાસ કરવામાં આવે, ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પણ સમાન ધોરણે ન્યાય આપવામાં આવે.
હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર આ આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરે છે અને ગ્રીન ઝોનમાં પરમિશનના મુદ્દે પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
